Site icon Revoi.in

અમરેલીમાં રેલવે ટ્રેક પર સિંહ આવી ન જાય તેની રાત-દિવસ રખેવાળી

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. સિંહો અવાર-નવાર રેલવે ટ્રેક પર આવી જતાં હોય છે. ત્યારે વનરાજોને બચાવવા માટે વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા સાથે મળીને યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના રાજુલા-પીપાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર થતા અકસ્માત ટાળવા માટે ટેક્નોલોજીની સાથે સાથે 45 જેટલા રેલવે સેવક, ટ્રેકર્સને 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ એલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકીંગ કરી સિંહ સહિતના વન્યપ્રાણીને દૂર કરે છે.

જિલ્લામાં રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેનની સતત અવરજવર રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે આવી જતા સિંહોના મોત નિપજતા હાઈકોર્ટે વનવિભાગ અને રેલવે વિભાગનો ઉધડો લીધો હતો. વનવિભાગ અને રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માત ટાળવા અલગ અલગ પગલાંઓ લીધા છે. રાજુલા-પીપાવાવ વચ્ચે થતા અકસ્માત ટાળવા માટે ટેક્નોલોજીની સાથે સાથે 45 જેટલા રેલવે સેવક, ટ્રેકર્સને 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ એલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકીંગ કરી સિંહ સહિતના વન્યપ્રાણીને દૂર કરે છે.

અમરેલી જિલ્લામાં રાજુલા, પીપાવાવ પોર્ટ, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં અત્યાર સુધીમાં ગુડઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેન અડફેટે 18 સિંહોના મોત નિપજ્યા છે. રેલવે ટ્રેક પર સિંહોના મોત બાદ હાઈકોર્ટે વનવિભાગ અને રેલવે વિભાગને ટકોર કરી હતી. ત્યારબાદ બંને વિભાગો એકશનમાં આવ્યા હતા અને હવે રેલવે ટ્રેક પર સિંહનો થતા મોતને અટકાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર. વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓ રેલવે ટ્રેક પર સિંહોના થતા અકસ્માત અટકાવવા એલર્ટ રહે છે. વનવિભાગની રાજુલા રેંજ વિસ્તારમાં રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક સહિત 48 કિમીનો લાંબો વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. જે અવારનવાર રેલવે ટ્રેક પર આવી જતા હોય તેને દૂર કરવા 45 રેલવે સેવકો ટ્રેકર્સ રાતદિવસ એલર્ટ રહે છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ટ્રેક પર આવી જતા સિંહનો દૂર કરવા માટે રેલવે સેવકો ફૂટ પેટ્રોલીંગ તો કરતા જ રહે છે. સાથે સાથે રેલવે ટ્રેક પર નજર રાખવા માટે ઉભા કરાયેલા 12 વોચ ટાવર પર પણ રેલવે સેવકો હાજર રહે છે અને ત્યાંથી સિંહોની અને ટ્રેનની મુવમેન્ટ પર નજર રાખે છે. ટ્રેન આવવાના સમયે જો રેલવે ટ્રેક પર કે આસપાસ સિંહ હોય તો વોચ ટાવર પર ફરજ બજાવતો જવાન તુરંત જ રેલવે વિભાગને તેની જાણ કરે છે. રેલવે ટ્રેક પર સિંહો કે અન્ય વન્યપ્રાણીઓની મુવેમેન્ટને રોકવા માટે વનવિભાગ દ્વારા 40 જેટલી સેન્સર સોલાર લાઈટ પણ લગાડવામાં આવી છે. જે સામાન્ય સ્થિતિમાં ડીમ હોય છે. પરંતુ, જ્યારે નજીકમાં ટ્રેક પર સિંહ કે કોઈ અન્ય વન્ય પ્રાણી આવે તો લાઈટ ફૂલ થઈ જાય છે. જેથી નજીકમાં રહેલા રેલવે સેવક એલર્ટ થઈ જાય છે. આખા ટ્રેક વિસ્તારના તમામ વનવિભાગના રેલવે સેવકો ટ્રેકર્સને ટોર્ચ લાઈટ, વોટ્સએપ મેસેજ મારફતે મેસેજ આપવામાં આવે છે જેથી ટ્રેક ઉપર આ જવાનો સિંહોને બહાર કાઢવા માટે ચારે તરફથી નજીક આવતા હોય છે. જો ટ્રેક પર સિંહ હોય તો તેની તુરંત રેલવે વિભાગને જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેન આવતી હોય ત્યારે અચાનક સિંહ રેલવે ટ્રેક પર આવી જાય તો ટ્રેકર્સ પાસે રહેલી બેટન લાઈટ બતાવી ટ્રેનને રોકાવી દે છે.

Exit mobile version