ગુજરાતઃ એક દાયકામાં શહેરી વસતીની સંખ્યામાં 6 ટકાનો વધારો
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22ની રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે.
2011માં રાજ્યમાં શહેરી વસતીની સંખ્યા 2.57 કરોડ હતી જે વધીને 2022માં 3.43 કરોડ થઇ છે જેને કારણે ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતની કુલ વસતીનો આંકડો 7 કરોડને પાર થઇ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતા ગ્રામ્ય વિસ્તારની વસ્તીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. 2011માં ગ્રામ્ય વિસ્તારની વસતી 3.47 કરોડ હતી. જે 2022માં ઘટીને 3.66 કરોડ થઈ છે.
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વિકાસ થયોની તેની નોંધ દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી છે. એટલું જ નહીં મૂડી રોકાણ વધતા રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ મોટી સંખ્યામાં યુવાનો રોજગારીની શોધમાં શહેરી વિસ્તારમાં આવી રહ્યાં છે. જેથી શહેરીકરણમાં વધારો થયાનું મનાઈ રહ્યું છે.