1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ પોલીસ અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાથી સજ્જ આવાસ ફાળવામાં આવશે
ગુજરાતઃ પોલીસ અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાથી સજ્જ આવાસ ફાળવામાં આવશે

ગુજરાતઃ પોલીસ અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાથી સજ્જ આવાસ ફાળવામાં આવશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. ૨૯ મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના  લોકાર્પણ કરાશે. આ ઉપરાંત એજ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે. તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે.

તેમણે વધારેમાં કહ્યું કે, રાજ્ય પોલીસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લાં બે દાયકાથી કટિબ્ધ્ધ છે. પોલીસ વિભાગની રોજીંદી કામગીરી માટે આવશ્યક એવા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટર, અલગ-અલગ સ્તરના અધિકારીઓની કચેરીઓ સહિતના પોલીસને લગતાં મકાનો અધ્યતન બને અને તેમાં નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તથા પોલીસ કર્મચારીઓને ભાડામુકત રહેઠાણની સુવિધા મળી રહે તેને રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય અને પોલીસ વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેવા બિનરહેણાંક મકાનો બનાવવા માટે ચોક્ક્સ એકશન પ્લાન સાથે કામ કરે છે. જેના ભાગ રૂપે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા હાલમાં ગુજરાત પોલીસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુકત નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસો તેમજ નવીન પોલીસ સ્ટેશનો મળી કુલ-57 કામો પૂર્ણ કરાયા છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે  કરવામાં આવનાર છે.

પોલીસ આવાસ નિગમ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધીમાં 48650 જેટલા વિવિધ કક્ષાના રહેણાંક મકાનોનું બાંધકામ રૂા. 4443.81 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવાસ નિગમ દ્વારા બિનરહેણાંકના મકાનો જેવા કે, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ,એસ.પી. ઓફિસ, બેરેક, જેલ, એમ.ટી. સેકશન વગેરેના બાંધકામની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં 37463 જેટલા વિવિધ પ્રકારના રહેણાંક મકાનોનું બાંધકામ રૂા. 2241 કરોડના ખર્ચે તથા 1548 જેટલા વિવિધ પ્રકારના બિનરહેણાંક મકાનોનું બાંધકામ રૂા. 1747 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓને સુવિધાયુકત મકાન પુરૂ પાડવાના હેતુસર રાજય સરકાર દ્વારા અગાઉના મકાનોની ડીઝાઇનમાં સુધારો કરી રહેણાંક મકાનની સુવિધાઓના ક્ષેત્રફળમાં વધારો કરી પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે 2BHK મકાન વિવિધ સવલતો સાથે આપવાનો નિર્ણય કરાયો છે. આ મકાનોમાં બેડરૂમ તથા કિચનમાં વુડન કબાટ તથા મોડયુલર કિચનની સવલત, બહુમાળી/હાઇરાઈઝ મકાનોમાં લીફટની સવલત, કેમ્પસમાં પાર્કિંગ શેડની વ્યવસ્થા, કેમ્પસમાં સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોકની સગવડ, બાળકો માટે રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી તથા બાગ-બગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન વિગેરે સગવડો આપવામાં આવે છે.

પોલીસ આવાસ નિગમ દ્વારા પોલીસ વિભાગ માટે બાંધવામાં આવતા બિનરહેણાંક મકાનોના ક્ષેત્રફળમાં પણ વધારો કરી વિવિધ સવલતો આપવામાં આવે છે. નવા બાંધવામાં આવનાર પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના મુદ્દામાલ માટે સ્ટોરેજ, શારીરિક વિકલાંગ વ્યકિતઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમની વ્યવસ્થા, સી.સી.ટી.વી.ની સુવિધા, બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા, પાર્કિંગ શેડની સુવિધા, મહિલાઓ માટે હેલ્પડેસ્ક, બાળકોના કલ્યાણ માટે ઓફિસર રૂમ, ગ્રાઉન્ડ ફલોર અને બેઝમેન્ટમાં મુદ્દામાલ રાખવા માટેનો સ્ટોરેજ, ગુના સંબંધી તથા બિનગુના સંબંધી કામગીરી માટે અલગ અલગ કાર્ય વિસ્તાર તથા અલગ અલગ પ્રવેશની સવલત કોન્ફરન્સ/મલ્ટીપર્પઝ હોલ, ક્રાઇમ અને એકાઉન્ટ રાઇટર હેડ માટે સ્ટોરેજ રૂમની વ્યવસ્થા, રેકર્ડ રૂમની વ્યવસ્થા, પુરૂષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટવાળા લોકઅપ રૂમની વ્યવસ્થા, હવાઉજાસ માટે ખુલ્લી જગ્યા, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, બાળકો સંબંધી કામગીરી માટે અલગ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડીયાઘરની વ્યવસ્થા વિગેરે સુવિધાઓ આપવામાં આવે છે.

મંત્રીએ ઉમેર્યુ કે, પોલીસ આવાસ નિગમ દ્વારા નાણાંકીય વર્ષ 2014-15 થી વર્ષ 2021-22 દરમ્યાન કુલ-11744 રહેણાંકના મકાનો રૂા. 1178.24 કરોડના ખર્ચે તેમજ બિનરહેણાંકના કુલ-2124 મકાનો કુલ રૂા.1245.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. નડીયાદ ખાતેથી જે 57 મકાનોનું ઇ-લોકાર્પણ થનાર છે તેમાં 25-જીલ્લાઓમાં તૈયાર થયેલ પોલીસ કર્મચારીઓ માટેના આવાસો તથા પોલીસ વિભાગના મકાનો જેવા કે પોલીસ સ્ટેશન, આઇ.બી. વિભાગની કચેરીઓ, ડોગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટડ યુનિટ, પોલીસ બેરેક, પોલીસ ડીસ્પેંસરી, સ્પોર્ટ્સ ફેસીલીટી સહિતના બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ તમામ મકાનો રૂ. 347.8 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. આ મકાનોમાં 18.54 કરોડના ખર્ચે બનેલ અમદાવાદ શહેરની દેવજીપુરા પોલીસ લાઇન તથા 19.76 કરોડના ખર્ચે બનેલી ચાંદખેડા પોલીસ લાઇન, 35.79 કરોડના ખર્ચે બનેલ ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો, 13.42 કરોડના ખર્ચે બનેલ રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો, 18.90 કરોડના ખર્ચે બનેલ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, 13.12 કરોડના ખર્ચે બનેલ છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી જેવા મોટા પ્રોજેકટ સહિતના 57 મકાનોનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર છે કે રાજ્ય પોલીસમાં હાજર મહેકમના આશરે 80 હ્જાર કર્મચારીઓની સામે સરકાર દ્વારા 47 હજાર જેટલા મકાનો પોલીસ કર્મચારીઓને પૂરા પાડવામાં આવેલ છે. આ સેટીસ્ફેકશન રેશિયો 58% જેટલો થાય છે જે સમગ્ર દેશમાં ઉત્તમ છે. હાલમાં પણ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા 9843 મકાનોનું બાંધકામ ચાલી રહેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code