
અમદાવાદઃ ભાજપ ચૂંટણી મેનેજમેન્ટને કારણે જ જીતે છે. કારણ કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે તેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના તમામ સાંસદોની બેઠક બોલાવીને ચૂંટણી અંગે ચર્ચાઓ કરી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્ણાટક જઈને ગુજરાતી સમાજના મતો અંકે કરવાની સુચના આપવામાં આવી હતી. આથી ભૂપેન્દ્ર પટેલ રવિવારે કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. કર્ણાટકમાં નજીકના મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ચૂંટણી પહેલા જ ગુજરાતના સીએમ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ માટે કર્ણાટકની ચૂંટણી પડકારરૂપ બને તેવી શક્યતા છે. તેથી પીએમ મોદી પણ કર્ણાટકમાં વિવિધ સભાઓ ગજવીને વોટબેંક પર કબજો કરવા પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સહિત ભાજપના તમામ ધૂંરંધરો એક બાદ એક કર્ણાટકનો પ્રવાસ ખેડીને ત્યાં જાહેર સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રવિવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રવાસે જશે. કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રવાસ ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી તા. 26 માર્ચે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. અને વસતા અને વ્યાપાર ધંધો કરતા ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠકો કરશે. જ્યાં તેમની સાથે બેઠકો કરીને વ્યાપારીઓના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરશે. સાથે જ ફરી એકવાર કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવવા વ્યાપારીઓને અપીલ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે અગાઉની તમામ સરકારોના ચૂંટણીના રેકોર્ડ તોડીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 156 સીટી પર ભાજપને બહુમત હાંસલ કરાવીને ફરી એકવાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવી છે. ત્યારે હવે દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં કમળ ખિલવશે. મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યના ચૂંટણી પ્રચારમાં જશે.