Site icon Revoi.in

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા ગુજરાત કોંગ્રેસની પદયાત્રા

Social Share

અમદાવાદઃ  નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાથી લઈને નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સત્યમેવ જયતેના નારા અને હાથમાં બેનરો સાથે ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય તરફ જતા પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી,  એક સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. અમિત ચાવડાએ ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી નહોતી. હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરવામાં આવી છે. જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સત્યમેવ જયતે’ના નાદ સાથે પદયાત્રાનું આયોજન શહેરના નેહરુબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા. શહેર અને પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચાલતા ચાલતા નેહરુ બ્રિજથી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. ખાનપુર નહેરુ બ્રિજના છેડા પાસે પહોંચતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એએમસીના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાજ શેખ સહિત કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને અટકાવ્યા હતા. પોલીસે તમામ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ  હાથમાં બેનરો લઈને ભાજપ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સત્યમેવ જયતે, ભય વગરની રાજનીતિ કોંગ્રેસની ઓળખ, દેશ બંધારણથી ચાલશે સરકારી એજન્સીઓના દૂર ઉપયોગથી નહીં એવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. જોકે ખાનપુર ભાજપ કાર્યાલય સુધી રેલી પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

પદયાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ એ કોંગ્રેસ છે જે અંગ્રેજો સામે લડ્યા હતા અને ઝૂક્યા નહોતા. હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ થઈ છે. આખરે સત્યનો વિજય થયો છે. ભાજપ સરકારની જે મેલી મનસા હતી તે બર આવી નથી. આ આઝાદીની નવી લડાઈ છે. ડરાવવા ધમકાવવાની રાજનીતિ લાંબી નહીં ચાલે. આજે પણ લડીશું, કાલે પણ લડીશું. અમે ડરવાના અને ઝૂકવાના નથી.

 

Exit mobile version