
ગુજરાતઃ નવી સરકારના મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન અપાય તેવી ચર્ચા
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના ભવ્ય જીત બાદ ભુપેન્દ્ર પટેલની તાજપોશી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપાની નવી સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે. જો કે, મંત્રમંડળને લઈને ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
તા. 12મી ડિસેમ્બરના મુખ્યમંત્રી પદ માટે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાશે. નવી સરકારના મંત્રીમાં યુવા-પીઢ-નવા અને મહિલા ચહેરાનો સમન્વય કરવામાં આવે તેવી શકયતા છે. થરાદમાંથી ચૂંટાયેલા શંકર ચૌધરી, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, મહેસાણા જિલ્લામાંથી મુકેશ પટેલ, દર્શિતા શાહ, કુંવરજીભાઈ બાવળીયા, જયેશ રાદડીયા, કૌશિક વેકરીયા, જીતુ વાઘાણી, શંભુપ્રસાદ ટુંડીયા, જીતુ સોમાણી, ડો. પ્રદ્યુમન વાજા, કચ્છમાંથી માલતીબેન મહેશ્વરી, જામનગરમાં રાઘવજી પટેલ, ખંભાળીયાના મુળુ બેરાના નામ ચર્ચાઈ રહ્યાં છે.
અમદાવાદમાંથી મુખ્યમંત્રી ઉપરાંત વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમિત શાહ, સુરતમાંથી હર્ષ સંઘવી, આદિવાસી ક્ષેત્રમાંથી જાયન્ટ કીલર બનેલા યુવા નેતા રિતેશ વસાવાનો સમાવેશ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની સાથે 12મી ડિસેમ્બરના રોજ કેબિનેટ મંત્રોઓને પણ શપથ લેવડાવવામાં આવે તેવી શકયતા છે.