Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા હવે 3જી ઓક્ટોબરથી લેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કલેન્ડરમાં ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું. પણ શૈક્ષણિક સંઘ દ્વારા રજૂઆત કરાયા બાદ હવે 3જી ઓક્ટોબરથી લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીપત્ર કરીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.હવેથી આ પરીક્ષા 11 સપ્ટેમ્બરની જગ્યાએ 3 ઓક્ટોબર શરૂ થશે જે 13 ઓક્ટોબરના રોજ પૂરી થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રાજ્યભરની સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા શૈક્ષણિક કેલેન્ડર મુજબ તા. 11 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી જે 20 સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી. પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા અંગે શૈક્ષણિક સંઘની રજૂઆત મળી હતી જેને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે.

અગાઉ 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજનારી પરીક્ષામાં જુન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો હતો.પરંતુ હવે તેની જગ્યાએ પરીક્ષાની તારીખમાં ફેરફાર થતા અભ્યાસક્રમ પણ જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો લેવામાં આવશે.