અમદાવાદ, 16 જાન્યુઆરી 2026: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. ઠંડા પવનોને લીધે જન જીવન પર અસર પડી છે. આજે સૌથી ઓછુ તાપમાન અમરેલી ખાતે 6 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયુ છે. તેમજ નલિયા, જામનગર અને જુનાગઢ શહેરમાં સિંગલ ડિઝીટ સાથે કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ગુજરાતના અન્ય શહેરોનું લઘુત્તમ તાપમાન જોઈએ તો અમદાવાદમાં 11.5 ડિગ્રી, ભાવનગરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, ગ્રાંધીનગરમાં 11 ડિગ્રી, ડીસામાં 9 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી અને સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ગિરનાર પર્વત આજે પણ 3.4 ડિગ્રી સાથે હિમ જેવો રહેવા પામ્યો હતો. આજે સવારે જુનાગઢ શહેરમાં 8.4 ડીગ્રી, જામનગરમાં 9.5 ડીગ્રી તથા નલિયામાં 9.2 અને અમરેલી ખાતે 6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. દરિયાકાંઠાના વિસ્તાર દિવમાં આજે સવારે 10.3 ડીગ્રી સાથે તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો.
જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 16 જાન્યુઆરીથી આવી રહેલું એક પશ્ચિમી વિક્ષેપ ગુજરાતને અસર કરશે. આ પશ્ચિમી વિક્ષેપને કારણે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારનું વાતાવરણ પલટાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી 22 જાન્યુઆરી બાદ રાજ્યના હવામાંનામાં પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા સાથે પવનના તોફાન આવશે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. તો આગામી 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી પણ રાજ્યના હવામાનમાં પલટો આવશે.

