Site icon Revoi.in

ગુજરાતઃ લોક સાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

Social Share

અમદાવાદઃ ગુજરાતના લોક સાહિત્યકાર, કથાકાર, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમણે લોક સંસ્કૃતિ, લોક કલા અને લોક સાહિત્ય પર આધારિત લગભગ 90 કૃતિઓનું સંપાદન અને રચના કરી. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી, 1940ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હાલુંભાઈ અને માતાનું નામ પંબા હતું. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. તેમનું બાળપણ આકરુ ગામમાં વીત્યું અને તેમનું પાલન-પોષણ તેમના સાવકા માતા ગંગાબા દ્વારા થયું. જોરાવરસિંહ જાદવે બાળપણમાં જ લોક સાહિત્ય અને લોક કલાઓનો ગહન અનુભવ પ્રાપ્ત કરી લીધો હતો.

તેમણે લોક કથાઓ, ગીતો અને લોક જીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું. તેમની પ્રસિદ્ધ વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચઢે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી લોકપ્રિય રચનાઓનો સમાવેશ થાય છે. તેમને મેઘાણી સુવર્ણ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જોરાવરસિંહ જાદવ 1964થી ‘સરકાર સાપ્તાહિકી’, ‘ગ્રામસ્વરાજ’ અને ‘જિનમંગલ’ માસિક પત્રિકાઓના સંપાદનનું કાર્ય સંભાળી રહ્યા હતા. તેમણે કલાને જનતા સમક્ષ રજૂ કરવા માટે પત્રિકાઓની સાથે-સાથે રેડિયો અને ટેલિવિઝન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કર્યું. તેમણે 1978માં ‘ગુજરાત લોક કલા ફાઉન્ડેશન’ નામની એક સંસ્થાની સ્થાપના કરી જેના માધ્યમથી ગુજરાત અને રાજસ્થાનની અશિક્ષિત, શોષિત અને વિચરતી જાતિઓના લોક કલાકારોને જનતા સમક્ષ આવવાનો અને પોતાની અભિવ્યક્તિનો અવસર મળ્યો.

Exit mobile version