
ગુજરાતઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જો કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર કરશે. તેમણે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે તે સ્વિકારવામાં આવશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દસકોથી કોંગ્રેસ પાર્ટીએ મને અને મારા પરિવારને ઘણુ આપ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ પ્રભારી તરીકે પોતાની હાલની જવાબદારી અને ગુજરાતમાં પાર્ટીના પ્રભાવી ચૂંટણી પ્રચાર પર વિચાર કરતા હું વિનમ્રતાપૂર્વક હાઈકમાન્ડને કહેવામાં માગું છું કે, ચૂંટણી લડવાની મારી ઈચ્છા નથી. તેમ છતા હું કોંગ્રેસનો આજીવન સિપાહી હોવાના કારણે કેન્દ્રીય નેતૃત્વના તમામ નિર્ણયનું પાલન કરીશ.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી વર્ષ 2004 અને 2009માં લોકસભાની આણંદની બેઠક ઉપરથી જીત્યાં હતા. એટલું જ નહીં ભરતસિંહ સોલકી યુપીએ-2 સરકારમાં કેન્દ્રીય ઉર્જા અને રેલ રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. એટલું જ નહીં વર્ષ 2015થી 2018 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા.
વર્ષ 2014 અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આણંદ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ભરતસિંહને 1.97 લાખથી વધારે મતથી હરાવ્યાં હતા. જ્યારે આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપાએ મિતેશ પટેલને જ ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરાઈ નથી.