Site icon Revoi.in

ગુજરાત ગેસે ફરીવાર CNGના ભાવમાં વધારો કર્યો, જાણો નવો ભાવ કેટલો?

Social Share

અમદાવાદઃ સીએનજીના ભાવમાં વધારો થતો જાય છે. જેમાં ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ 1.50 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 77.76 રૂપિયા થઇ ગયો છે. નોંધનીય છે કે, ગુજરાત ગેસે વર્ષમાં ત્રીજીવાર ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ગત જુલાઈ, ઓગસ્ટ અને હવે ડિસેમ્બરમાં ભાવ વધારો કર્યો છે. તેથી હવે સીએનજી કાર ચલાવવી મોંધી પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ દ્વારા વર્ષ 2024માં ત્રીજીવાર સીએનજીમાં ભાવ વધારો કરાયો છે. આ પહેલા 24 જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ ₹1નો વધારો કરાયો હતો. ત્રણ વધારો સાથે  આ વર્ષે CNGના ભાવમાં કુલ ₹3.50નો વધારો થયો છે. સીએનજી ગેસમાં ભાવ વધારાને લીધે મધ્યમ વર્ગના કારચાલકોને અસર પડશે. CNGમાં કરાયેલો વધારો શનિવાર મધરાતથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં લાખો વાહનચાલકોને  સીએનજી કિંમતમાં ફેરફારની અસર થશે. સુરતમાં 60 જેટલા CNG પંપ કાર્યરત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 250 પંપ કાર્યરત છે. ઓટો-રિક્ષા અને સ્કૂલ વાન CNG વપરાશનો મુખ્ય ભાગ છે. સીએનજીના ભાવમાં વધારાને પગલે, સ્કૂલ વાન દ્વારા ચાર્જમાં વધુ એક વધારો થવાની શક્યતા છે. કારણ કે છેલ્લે જ્યારે સીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ સીએનજીના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં દાદરાનગર હવેલીમાં સીએનજીનો ભાવ 78.66 રૂપિયા છે. જ્યારે રાજસ્થાનમાં સીએનજીનો ભાવ 82.31 રૂપિયા, હરિયાણામાં સીએનજીનો ભાવ 86.55, મધ્યપ્રદેશમાં સીએનજીનો ભાવ 93.01 રૂપિયા થઈ ગયો છે. તમામ રાજ્યોમાં નવા ભાવ  લાગુ થઈ ગયા છે..

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPA) અનુસાર, આ ભાવમાં વધારો 4 લાખ CNG ઓટો-રિક્ષા અને 6 લાખ ફોર-વ્હીલર તેમજ જાહેર પરિવહન બસો સહિત અંદાજે 12 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર કરશે.