Site icon Revoi.in

પાકિસ્તાનના નાગરિકોને ત્વરિત પરત મોકલવા ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી

Social Share

ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26ના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે. પાકિસ્તાથી ગુજરાતની મુલાકાતે આવેલા નાગરિકોને પાકિસ્તાન મોકલવાની તૈયારીઓ શરૂ થઇ છે. જોકે હિંદુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં,

કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. બીજીબાજુ પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-20 દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી અને પહલગામ આતંકી હુમલા અંગે વિસ્તારથી માહિતી આપી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતાં  અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સલાહ આપવામાં આવી છે. સરકારનું આ પગલું  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે.

Exit mobile version