1. Home
  2. Bharat@2047
  3. ૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

0
Social Share

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર

ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાતનું ઐતિહાસિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યનો નાણા વિભાગ નિયત માપદંડો અને સુશાસનની પરંપરાઓ મુજબ નાણાકીય વ્યવસ્થાપન કરી નાણાકીય શિસ્તનું કડક પાલન કરી રહ્યો છે.

નાણામંત્રીએ માહિતી આપી કે, ગુજરાત રાજવિત્તીય અધિનિયમના માપદંડો મુજબ ગુજરાતે વર્ષ 2024-25 માં મહેસૂલી ખાધના ‘શૂન્ય’ના લક્ષ્યાંકની સામે રૂ. 18,943 કરોડની મહેસૂલી પુરાંત સિદ્ધ કરી છે અને વર્ષ 2026-27 ના અંદાજમાં રૂ. 25,587 કરોડની મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

ફિસ્કલ ડેફિસિટ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે, GSDP ના 3 ટકાની મર્યાદામાં રાખવાની રહે છે, જેની સામે રાજ્યની રાજવિત્તીય ખાધ 2026-27 ના અંદાજ અનુસાર GSDP ના માત્ર 1.97 ટકા અંદાજવામાં આવી છે.

રાજ્યના દેવા અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનું દેવું રાજ્યના વિકાસકાર્યો માટેનું એક સંસાધન છે અને ગુજરાતે દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્યનું કુલ દેવું રાજ્યના GSDP ના 27.10 ટકાની મર્યાદામાં રાખવાનું રહે છે, જેની સામે રાજ્યનું કુલ દેવું વર્ષ 2024-25 માં GSDP ના 13.87 ટકા જ રહ્યું છે. જે વર્ષ 2026-27 માં GSDP ના 14.65 ટકા રહેવાનો અંદાજ છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે દેવાનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

15 મા નાણાપંચની મુદત પૂર્ણ થયા બાદ એપ્રિલ-2026 થી 16 મા નાણાપંચની ભલામણોનો અમલ શરૂ થશે. 15 મા નાણાપંચની સાપેક્ષમાં 16 મા નાણાપંચ અંતર્ગત કેન્દ્રીય વેરામાં ગુજરાતનો હિસ્સો 3.478 ટકાથી વધીને 3.755 ટકા નિર્ધારિત થયો છે. જે પ્રમાણે ગુજરાતને વર્ષ 2026-27 માં રૂ. 57,311 કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ કાશ્મીરીઓએ ઈરાનને મદદ કરવા નાણા, તાંબા-કાંસાનાં વાસણો, ઘરેણાં દાન કર્યાં

નાણાપંચ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થા તથા અન્ય વિભાગોને ફાળવવામાં આવતી કુલ ગ્રાન્ટોમાં ગુજરાતને વર્ષ 2026-27 માટે આશરે 11.66 ટકાના વધારા સાથે રૂ. 6,999 કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.

રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી અને છેલ્લા 21 નાણાકીય વર્ષથી એકપણ સાધનોપાય પેશગી પણ લીધી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિકાસના રોડમેપ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે “વિકસિત ગુજરાત 2047” નો સર્વાંગી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત રીતે રાજ્યના સર્વાંગી, સંતુલિત અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાનું કામ કરશે.

જીએસટી અંગેના સુધારા વર્ણવતા મંત્રીએ કહ્યું કે, નવરાત્રીના પ્રથમ દિવસથી જીએસટી વેરાના દરમાં થયેલ ઘટાડાના અમલીકરણના પગલે રાજ્યની જનતાને એક વર્ષમાં રૂ. 11,000 કરોડના જીએસટી વેરાની બચત થકી સીધો લાભ થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂન, 2017 માં જીએસટીની અમલવારી થઈ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા 5,08,863 હતી, જે આજે વધીને 13,82,342 થઈ છે. એટલે કે, રાજ્યના કરદાતાઓની સંખ્યામાં 172 ટકાથી વધુનો વધારો થયો છે. નિયત સમયમર્યાદામાં જીએસટી પત્રક ભરવામાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત સતત પાંચ વર્ષથી પ્રથમ ક્રમે રહ્યું છે. જે ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતા અને રાજ્યવેરા વિભાગના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે.

આ પણ વાંચોઃ Breaking News: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી

જીએસટી વેરાના દરમાં ઘટાડો થવા છતાં જીએસટી સરળીકરણ અને રાજ્યવેરા વિભાગની કામગીરીના પરિણામે ટેક્સબેઝ તથા ટેક્સ કોમ્પ્લાયન્સમાં થયેલા વધારાના પરિણામે ગુજરાતને ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 13 ટકાની વૃદ્ધિ થઈ છે. એપ્રિલ-2025 થી ફેબ્રુઆરી-2026 સુધી જીએસટી, વેટ, ઇલેક્ટ્રીસીટી ડ્યુટી, પ્રોફેશનલ ટેક્સ સાથે મળીને રાજ્ય સરકારને કુલ રૂ. 1,15,421 કરોડની આવક થઈ છે.

કરદાતાની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય અને કરદાતાઓને ઝડપી રિફંડ મળી રહે તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરદાતા દ્વારા દાવો કરાયેલા રિફંડના 90 ટકા રકમને માત્ર 7 દિવસમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

અગાઉ ગિફ્ટ સિટીમાં આવતી તમામ કંપનીઓને 15 વર્ષના બ્લોકમાં સળંગ 10 વર્ષ માટે 100 ટકા ટેક્સ માફી મળતી હતી. ગિફ્ટ સિટીમાં રોકાણ કરતી તમામ કંપનીઓને લાંબા ગાળાની સ્થિરતા આપવા માટે આ મર્યાદા વધારીને 25 વર્ષના બ્લોકમાં સળંગ 20 વર્ષ સુધી સંપૂર્ણ ઇન્કમટેક્સ માફી આપવામાં આવી છે.

સામાજિક સુરક્ષા અંગે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 15 વિભાગોની 367 યોજનાઓ હેઠળ નાણાકીય સહાય DBT દ્વારા આપીને ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. વર્ષ 2025-26 માં 6.30 કરોડ લાભાર્થીઓને રૂ. 21,387 કરોડ DBT ના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

વીમા નિયામક કચેરી દ્વારા ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના અંતર્ગત રાજ્યના 4.12 કરોડ લોકોને સમાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2026 ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 17,445 લાભાર્થી પરિવારોને રૂ. 310.83 કરોડની વીમા રકમની ચૂકવણી કરવામાં આવી છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

નવી ટેકનોલોજી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાને વધુ સુગમ અને ડિજિટલ બનાવવા હેતુસર નવું બજેટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ તથા IFMS 3.0 પ્રોજેક્ટ રાજ્યની નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિને આધુનિક અને વધુ અસરકારક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

વિધાનસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચાના અંતે નાણા વિભાગની આ અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code