Site icon Revoi.in

ગુજરાત સરકારે ફટાકડાના લાયસન્સ માટેના નિયમો હળવા કર્યા, નાના વેપારીઓને ફાયદો થશે

Social Share

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડાના વેચાણ માટેના લાયસન્સના નિયમો હળવા કરતા નાના વેપારીઓને ફાયદો થશે. રાજ્ય સરકારે ફટાકડા માટેના ફાયર સેફ્ટીના એનઓસી માટે નવા નિયમો અમલી કર્યા છે. જેમાં જે દુકાનો કે સ્ટોલ 500 ચો.મી.થી વધુ સાઇઝના હશે તેમણે જ ફાયર એનઓસી લેવું પડશે. જ્યારે 500 ચો.મી.થી નાની જગ્યા હશે તો ફાયર એનઓસી લેવું નહીં પડે, પરંતુ વેપારીઓએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે.

ગુજરાત સરકારે રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના કડક નિયમો બનાવ્યા હતા અને તેમાં પણ ફટાકડાના ફાયર સેફ્ટી માટે નવા નિયમો અમલી કરાયા હતા, પરંતુ આ નવા નિયમોથી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ફાયર વિભાગને ભારે દોડધામ કરવી પડતી હતી. કામનુ ભારણ પણ વધ્યુ હતુ. અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેમજ નાના વેપારીઓને પણ ફાયર એનઓસી માટે હેરાન પરેશાન થવું પડતું હતું. જે બાબતે રજૂઆતો થયા બાદ સરકારે નવી ફાયર સેફ્ટીની નીતિ અમલી કરવામાં આવી છે.

રાજ્ય સરકારની ફાયર સેફ્ટીની નવી નીતિ મુજબ ફટાકડાના જે વેપારીની દુકાન કે શો-રૂમની સાઇઝ 500 ચો.મી.થી વધુ હશે તેમણે જ ફાયર એનઓસી લેવાનું રહેશે. જ્યારે 500 ચો.મી.થી નાની દુકાન કે સ્ટોલમાં ફટાકડાનો વેપાર થતો હશે તો તેવા સંજોગોમાં વેપારીએ સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે.  જેમાં નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાયા છે તેનું ડેક્લેરેશન આપવાનું રહેશે.

રાજ્યના ગૃહ વિભાગે નવો પરિપત્ર જારી કરી તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને તાકીદ કરી છે કે, 500 ચો.મી.થી ઓછું માપ ધરાવતી દુકાન માટે ચેકલિસ્ટ તૈયાર કર્યું છે તે ચકાસીને એનઓસી આપવાની કાર્યવાહી કરવાની રહેશે. જેમાં અગાશીમાં 1000 લિટરનો પાણીનો ટાંકો ધરાવતી વોટર સ્ટોરેજ અને સપ્લાયની સુવિધા, તથા એબીસી ડ્રાય કેમિકલ એક ફાયર હોસ દુકાનની આગળના ભાગે ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ. 500 ચો.મી.થી નાની કે મોટી કોઇપણ દુકાનમાં 200 લિટર પાણીનું બેરલ, છ કિલો ડ્રાય કેમિકલ(એબીસી), તેમજ શોર્ટ સર્કિટથી રક્ષણ માટે ફાયર મોડ્યુલર રાખવાના રહેશે. ફાયર મોડ્યુલર એક પ્રકારનો ફાયર સેફ્ટી બોલ છે જેની અંદર એક કેપ્સુલ હોય છે જ્યારે શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગે અને ટેમ્પરેચર 20 ડિગ્રીથી વધી જાય ત્યારે આ ફાયર મોડ્યુલર તરીકે ઓળખાતા બોલમાં રહેલી કેપ્સુલ ફાટે છે અને તેમાંથી નીકળેલા કેમિકલને કારણે આગ કાબૂમાં આવે છે.

Exit mobile version