ગુજરાત સરકારે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્રો આપવા 2 વર્ષમાં 70.44 લાખનો ખર્ચ કર્યો
ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા પત્ર પાઠવવામાં આવતા હોય છે. છેલ્લા બે વર્ષમાં શુભેચ્છા પત્રો પાઠવવા પાછળ રૂપિયા 70.44 લાખનો ધૂમાડો કરાયો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાના ડિસેમ્બર 2022ની સ્થિતિએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા પાછળ સરકારે કરેલા ખર્ચની માહિતી માગતા સરકારે લેખિત જવાબ આપ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા 2022 માર્ચથી શુભેચ્છા પાઠવવાનું શરૂ કરાયું છે. આ માટે બે વર્ષમાં મુખ્યમંત્રી દ્વારા 15 લાખ અને શિક્ષણમંત્રી દ્વારા 15 લાખ શુભેચ્છા પત્રો પાઠવવામાં આવ્યા હતા. જેમાં છાપકામ પાછળ કુલ રૂા.70,44,600નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા બે વર્ષમાં સરકારે બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પત્ર આપવા પાછળ લાખોનો ખર્ચ કર્યો છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં સ્પાર્ટ કલાસ ધરાવતી શાળા અને સ્માર્ટ કલાસ અંગે કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા માહિતી માગતો સવાલ પૂછાયો હતો. જેના લેખિત જવાબમાં શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 179 અને જિલ્લામાં મળીને કુલ 440 સ્માર્ટ કલાસ ધરાવતી શાળાઓ છે. જેમાં 1526 જેટલા સ્માર્ટ કલાસ છે. કેટલા સ્માર્ટ કલાસ વિકસાવવાના બાકી છે. તેવા સવાલના જવાબમાં અમદાવાદમાં કુલ 459 શાળામાંથી 280 શાળામાં ઈન્સ્ટોલેશનનું કામ પ્રગતિમાં હોવાનો જવાબ અપાયો હતો. શહેર-જિલ્લાની કુલ 1056 શાળામાંથી 606 શાળામાં આ કામ ચાલતું હોવાનું અને બાકી રહેલા સ્માર્ટ કલાસ જેમ બને તેમ ઝડપથી વિકસાવાશે તેમ પણ જણાવાયું હતું.