છોટા ઉદેપુરઃ ગુજરાતમાં નવરાત્રિની જેમ વાર-તહેવારે યોજાતા લોક મેળાઓનું પણ વિશેષ મહાત્મ્ય છે. જેમાં હોળી અને ધૂળેટીના તહેવારોમાં આદિવાસી સમાજ દ્વારા અનેક સ્થળોએ લોકમેળા યોજાતા હોય છે. આદિવાસી સંસ્કૃતિને ઊજાગર કરતા ભાતીગળ મેળામાં આદિવાસી યુવક-યવતીઓ ઢોલના તાળે ઝૂંમી ઊઠતા હોય છે. જેમાં છોટાઉદેપુર જિલ્લો એ પૂર્વપટ્ટીનો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો આ જિલ્લો આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતો સાચવીને બેઠો છે. અહીંના આદિવાસી સમાજની ઉત્સવપ્રિયતા જગજાહેર છે. અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો ઉત્સવ છે. જેમાં હોળીના એક સપ્તાહ અગાઉ ભરાતા ભંગોરિયા હાટમાં અહીંના આદિવાસી સમાજની વિશિષ્ટ સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતનાં દર્શન થાય છે
આદિવાસી વડિલોના કહેવા મુજબ ભંગોરિયા હાટની શરૂઆત કઇ રીતે થઈ એ અંગે જુદા જુદા મતમતાંતરો પ્રવર્તે છે, પરંતુ લોકમુખે ચર્ચાતી વાતો મુજબ મધ્યપ્રદેશમાં ભીલ રાજાની ભંગોર નામની પ્રસિદ્ધ રિયાસત હતી. સૌપ્રથમ ભગોર રિયાસતના કુસુમોર ડામોર નામના ભીલ રાજાએ તેના રાજ્યમાં ભીલ સમુદાય માટે ભંગોરિયા હાટની શરૂઆત કરી હતી. સમયાંતરે હોળીના એક સપ્તાહ અગાઉ યોજાતા આ વિશિષ્ટ હાટને ભંગોરિયા હાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભંગોર રિયાસત વર્તમાન સમયમાં મધ્યપ્રદેશના ઝામ્બુઆ જિલ્લામાં એક નાનકડા ગામ ભંગોરમાં તબદીલ થઇ ગઇ છે. જે-તે સમયે આદિવાસી સમાજ પાસે નહોતા પૈસા કે નહોતાં મોટાં મોટાં બજારો. રાજાએ પોતાના આદિવાસી સમુદાયને એક જગ્યાએ એકત્રિત કરી એક હાટની વ્યવસ્થા વિકસિત કરી, જેથી આ હાટમાંથી આદિવાસી સમુદાય પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓનો વિનિમય કરી શકે. આ જ જગ્યાએ હોળીના ઉત્સવ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થઇ પોતાની આવશ્યકતા અનુસારની સુખસગવડતાની ચીજવસ્તુઓનું આદાનપ્રદાન થકી પોતાની જરૂરિયાતોને પૂરી કરતા હતા. ભંગોર રિયાસતથી શરૂ થયેલા ભંગોરિયા હાટથી પ્રેરાઇને આસપાસના અન્ય ભીલ રાજાઓએ પણ પોતપોતાની રિયાસતમાં ભોગર્યા હાટ શરૂ કરી હોવાનું મનાય છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના શિક્ષક એવા મનજી રાઠવાના કહેવા મુજબ આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ભંગોરિયાએ કોઇ તહેવાર કે મેળો નહીં પણ હોળી અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે એ જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતી પારંપરિક વિશેષ હાટ છે. જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઊમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વેના ભોગર્યા હાટની મોજ માણતા હોય છે. ખાસ કરીને આદિવાસી જુવાનિયાઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલાં કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનનાં કપડાં ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંસડી, ચાંદીના કલ્લાં (કડીવાળાં અને મૂંડળિયાં, એમ બે પ્રકારનાં) ચાંદીનાં કડાં, ચાંદીનાં આંમળિયા, ચાંદીના પાંચિયા, ચાંદીના બાહટિયા, ચાંદીની હાંકળી (સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝુડો, ચાંદીના લોળિયા, ચાંદીના વીંટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીનાં જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરિયાં, ચાંદીનાં કડા, ચાંદીના કાંટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા) વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભંગોરિયા હાટની મજા માણવા ઊમટી પડે છે હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા-ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીર-કાંમઠા અને ધારિયાં-પાળિયા સાથે ગામેગામથી ઊમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખૂબ આનંદ લૂંટતા હોય છે.