Site icon Revoi.in

ગુજરાત સરકાર પ્રેમ લગ્ન માટે નવો કાયદો બનાવશે, માતા-પિતાની મંજુરી ફરજિયાત

Social Share

અમદાવાદઃ માતા-પિતાની મંજુરી વિના ભાગીને કરાતા પ્રમે લગ્ન સામે હવે ગુજરાત સરકાર કાયદો બનાવશે. નવા કાયદામાં પ્રમે લગ્ન માટે માતા-પિતાની મંજુરી ફરજિયાત બનાવાશે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે કાયદો બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ કાયદોનો મુસદ્દો ઘડવામાં આવશે. રાજ્ય સરકાર હવે ભાગીને થતાં લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરશે આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.

લગ્ન પહેલાં માતા-પિતાની લેખિત મંજૂરી ફરજિયાત બનાવતો કાયદો લાવવા માટે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત સમાજના આશરે દસ આગેવાનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી આ મુદ્દે કાયદાકીય સુધારાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા-દીકરીઓ ઘણીવાર માતા-પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાય છે.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ભરમાવી લગ્ન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આવી ઘટનાઓ રોકવા માટે લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ લેવી કાયદેસર ફરજિયાત બનાવવાની જરૂરિયાત છે, જેથી પરિવારને જાણ રહે અને દીકરીઓ ખોટા નિર્ણયથી બચી શકે.

પ્રતિનિધિમંડળે સરકારને સૂચન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ મેળવવાની જોગવાઈ કરવામાં આવે. આવું થવાથી કાચી ઉંમરના દીકરા-દીકરીઓ અણસમજણમાં ખોટા નિર્ણયો ન લે અને તેમના તેમજ તેમના પરિવારના જીવન પર ગંભીર અસર ન પડે. આ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી સમગ્ર બાબત પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું છે. આ રજુઆત બાદ સરકારે લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

 

Exit mobile version