
ગુજરાત સરકારનું નાણા વિભાગ બજેટ-22ની તૈયારીમાં લાગ્યું, અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષી હશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભા સત્રમાં રજુ થનારૂં ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે બજેટમાં વધુને વધુ લોકોને લાભ આપવામાં આવે તે માટે આકર્ષક બજેટ રજુ કરવામાં આવશે. બજેટમાં નવી અનેક યોજનાઓનો સમાવેશ કરવા તેમજ ઓબીસી અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનાનો વધુ લાભ મળે તેવા મુદ્દાઓને બજેટમાં સમાવેશ કરવાની કવાયત ચાલી રહી છે. હાલ બજેટ-22ને તૈયાર કરવામાં નાણા વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ વર્ષે તેનું પ્રથમ બજેટ રજૂ કરશે. જો કે બજેટ પુર્વે તેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ વર્ષે ફેબ્રુઆરી 2022માં નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાના છે.. નાણા પ્રધાન બન્યા પછી આ તેમનું પ્રથમ બજેટ છે. ત્યારે બજેટ માટે રાજ્ય સરાકરમાં સમીક્ષા બેઠક શરૂ કરાઇ છે. આ બેઠક 10 દિવસ ચાલશે.
જેમાં વિવિધ વિભાગો દ્વારા ચાલુ વર્ષે ફાળવેલ બજેટ અંગે નાણા પ્રધાન સાથે ચર્ચા કરાશે. બજેટમાં ફાળવવામાં આવેલા નાણાનો ક્યાં કઇ રીતે ઉપયોગ થયો છે તેની માહિતી મેળવવામાં આવશે.. આ સાથે આગામી બજટેને લઇને પણ ચર્ચા કરાશે. આગામી બજેટમાં હેલ્થ વિભાગના બજેટમાં વધારો કરાશે તેમ નાણા પ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું છે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં 2.30 લાખ કરોડનું બજેટ છે. જેમાં દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ ઉપરાત ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે. જયારે ફેબ્રુઆરી માસમાં બજેટ રજૂ કરવામાં આવશે. જેના પગલે આ બજેટ મહદઅંશે ચુંટણીલક્ષી જ હશે. જેમાં સરકાર મોટાભાગે વિકાસ કાર્યોની સાથે સાથે સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારશે. તેમજ સરકાર નવી આવાસ યોજના અને યુવાનોને રોજગારી આપવાના મુદ્દે મોટી જાહેરાત કરી શકે તેમ છે.