Site icon Revoi.in

ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બન્યુ છેઃ મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે.

મુખ્યમંત્રીએ 2023-24 વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના 31 ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય બન્યુ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-2024નું આયોજન કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદના 13માં સંસ્કરણમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ પણ ઈન્ડિયા કેમ-2024માં જોડાયા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ આ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે કહ્યુ કે, વડાપ્રધાનના વિઝનથી ગુજરાતમાં આકાર પામેલો દહેજ PCPIR વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ સાથે કેમિકલ્સ-પેટ્રોકિમિકલ્સ ઉદ્યોગો માટે સાનુકૂળ માહોલ સર્જનારો બન્યો છે. એટલું જ નહિ, ડાઈઝ અને ઈન્ટરમિડીયેટ્સના પ્રોડક્શનમાં ગુજરાત 75 ટકા જેટલું યોગદાન આપે છે. તેમજ બેઝિક કેમિકલથી લઈને સ્પેશ્યલાઈઝ્ડ કેમિકલ,  પોલીમર, ફર્ટીલાઈઝર, ડાઈઝ અને પિગમેન્ટ્સ જેવા સેક્ટરમાં ગુજરાતે મહારથ હાંસલ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પાંચ લાખ 34 હજાર કરોડના રોકાણો સાથેના 3256  પ્રોજેક્ટસ રાજ્યમાં આવ્યા છે.

તેમણે વડાપ્રધાનના વિઝન “મેઈક ઈન ઈન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ”ના મંત્ર અને પર્યાવરણની  જાળવણી સાથે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવામાં આ ઈન્ડિયા કેમ-2024  સમિટ ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ સમિટમાં ભારત સરકારના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવશ્રી, વરિષ્ઠ અધિકારીઓ, ફિક્કીના નેશનલ કેમિકલ કમિટીના ચેરમેન  દિપક મહેતા, ચેરમેન  પ્રભદાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના  નિખીલ મેસવાણી સહિત કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રી સેક્ટરના અગ્રણી ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Exit mobile version