1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘ગુજરાત’ એ ચાર અક્ષરનો શબ્દ નથી, પણ કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે: રાજ્યપાલ
‘ગુજરાત’ એ ચાર અક્ષરનો શબ્દ  નથી, પણ કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે: રાજ્યપાલ

‘ગુજરાત’ એ ચાર અક્ષરનો શબ્દ નથી, પણ કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે: રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ ‘ગુજરાત’ એ ચાર અક્ષરનો બનેલો શબ્દ માત્ર નથી, લાખો-કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ છે, અને આ બે દાયકા પૂર્વે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્ર સાથે આરંભેલી વિકાસયાત્રાનું પરિણામ છે, એમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું.

15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગૃહમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સ્વરૂપે વવાયેલું બીજ આજે વિશાળ વાઈબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે અભૂતપૂર્વ સફળતાપૂર્વક યોજાયેલી 10 મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિકસિત ભારત @ 2047 માટે રાજ્યના રોડમેપના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.

રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. નારીશક્તિ વંદન અધિનિયમના ઐતિહાસિક કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓ વધુ મોટી જવાબદારી નિભાવવા સક્ષમ બનશે અને મહિલાઓ સ્ત્રી સશક્તિકરણ નીતિઓ ઘડવામાં યોગદાન આપી શકશે. રાજ્યપાલશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ભારતવાસીઓ માટે સમૃદ્ધિના દ્વાર ઉગાડનાર કદમ ગણાવીને કહ્યું હતું કે, સંકલ્પ એ સફળતા માટેનું પ્રથમ પગથિયું છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર પાર્ક (મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ્સ રિજિયન એન્ડ એપરલ પાર્ક) વિશે બોલતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશના સાત રાજ્યોમાં સ્થપાનારા આ પાર્ક પૈકી ગુજરાતમાં નવસારીના વાંસીબોરસીમાં 1141  એકરમાં પી.એમ.મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. આ પાર્કમાં એક જ છત્ર હેઠળ સ્પિનિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ટેક્સટાઈલ્સ વેલ્યુ ચેઈન ઉભી થશે અને પ્લગ એન્ડ પ્લે  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે.

દવાઓના ઉત્પાદનખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને દવાઓના પરીક્ષણથી લઈને પ્રોડક્શન માટેની માળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસરમાં 815.44 હેક્ટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ભારત સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લીધી છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કૃષિ અને ઉદ્યોગનો વિકાસદર એક સાથે તાલ મિલાવી રહ્યો છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં વિશેષ સંશોધનો, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે એમ કહીને રાજ્યપાલે કહ્યું હતું કે, ગુજરાતના સ્થાપના દિવસ; 1લી મે, 2023થી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવીને 23 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code