
ભારતમાં કિશોરોના રસીકરણમાં ગુજરાત સૌથી આગળ, 4.94 લાખ કિશોરોને કરાયાં સુરક્ષિત
દિલ્હીઃ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ 40 લાખથી વધારે કિશોરોને રસીનો ડોઝ લીધો હતો. દેશમાં સૌથી વધારે કિશોરોને રસી ગુજરાતમાં આપવામાં આવી છે. ગુજરાતમાં 4.94 લાખ કિશોરોને રસી આપવામાં આવી છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 20 હજારથી વધારે કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર, સોમવારે દેશભરમાં 15-18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ શરૂ થયું હતું. ભારતમાં રસીકરણ અભિયાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક જ દિવસમાં દેશમાં લગભગ એક કરોડ લોકોને રસીનો ડોઝ મળ્યો છે. જેમાં 40 લાખથી વધુ ડોઝ લેનારાઓમાં માત્ર કિશોરો સામેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી હતી અને યુવાનોને રસીકરણ અભિયાનમાં સક્રિય ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા. દરમિયાન, રાજ્યો દ્વારા રાત્રે 11 વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે પ્રથમ દિવસે બાળકોને કોરોનાની રસી આપવામાં ગુજરાત મોખરે હતું. અહીં પહેલા જ દિવસે 4.94 લાખ બાળકોને રસીનો ડોઝ મળ્યો હતો. ગુજરાત સરકારે આગામી સાત દિવસમાં 15-18 વર્ષની વયના 36 લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
કિશોરોના રસીકરણમાં ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. પહેલા જ દિવસે ઉત્તરપ્રદેશમાં લગભગ 1.50 લાખ બાળકોને રસી આપવામાં આવી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે બાળકોની હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને કિશોરો સામે આવીને રસી લેવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર એકલા નોઈડામાં જ પ્રથમ દિવસે ત્રણ હજાર બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો. બીજી તરફ દિલ્હીમાં પ્રથમ દિવસે 15-18 વર્ષની વયના 20900 બાળકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત લક્ષદ્વીપમાં પણ ત્રણ હજારથી વધુ કિશોરોએ રસી લીધી હતી.
નોંધનીય છે કે 1 જાન્યુઆરીએ નોંધણી શરૂ થઈ ત્યારથી, કોવિન પોર્ટલ પર સોમવારે રાત્રે 8.30 વાગ્યા સુધી 51 લાખ યુવાનોએ કોવિડ -19 રસી માટે નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારના ડેટા મુજબ આ વયજૂથના યુવાનોનું રસીકરણ આગામી એકથી બે મહિનામાં પૂર્ણ થઈ જશે.