Site icon Revoi.in

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મ્યુનિના અધિકારીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ-GMFB દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ અંતર્ગત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓ-કામગીરી વિશે ચૂંટાયેલી પાંખ તથા સંબંધિત અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપવાનો છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતી ગ્રાંટ અન્વયે ચોકસાઇપૂર્વકનું આયોજન કરી શકે, નાગરિકોને આપવામાં આવતી જાહેર સુવિધાઓ તથા સુખાકારીમાં વધારો થાય, અને વિકાસના કામો માટે સુવ્યવસ્થિત ભૌતિક તેમજ નાણાંકીય આયોજન થઈ શકે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું છે.

આ વર્ચ્યુઅલ તાલીમ સેમિનાર તાલીમ સપ્ટેમ્બર-2025થી માર્ચ-2026 સુધી રાજ્યની તમામ 152 નગરપાલિકાઓ તથા 17 મહાનગરપાલિકાઓમાં દૈનિક રીતે આયોજન કરાય છે. અત્યાર સુધીમાં કુલ 35 નગરપાલિકાઓના સેમિનારમાં 1200 જેટલા ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ સહભાગી થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલીમ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ વર્કશોપ દ્વારા સપ્ટેમ્બર-2025 થી માર્ચ -2026 સુધી દૈનિક આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલીકૃત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે વર્ષ 2025-26માં નવી બાબતો સહિત કુલ રૂ. 11.890 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા અમલીકૃત અન્ય યોજનાઓમાં 15મું નાણાપંચ, બૂનિયાદી મૂડી પગાર ભથ્થા ગ્રાંટ, જમીન મહેસૂલ ગ્રાંટ, વ્યવસાય વેરા ગ્રાંટ, ઓક્ટ્રોય ગ્રાંટ, રાજ્ય સ્તરની કેડર પગાર ભથ્થા ગ્રાંટ, અને શિક્ષણ ઉપકર ગ્રાંટ વગેરેનો સમાવેશ થાય છે, જે અંતર્ગત નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને ગ્રાંટ ફાળવવામાં આવે છે તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.

Exit mobile version