ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન
અમદાવાદઃ ગુજરાતની સંસ્કારીનગરી વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ભિક્ષુકોની વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સહિતના મહાનગરપાલિકામાં પણ તબક્કાવાર આ યોજના ઉપર કામગીરી કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના મહાનગરપાલિકાઓમાં ભિક્ષુકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમને સારુ જીવન ધોરણ મળી રહે તે માટે સરકારના ન્યાય અને અધિકારિતા મંત્રાલયએ અનેક યોજનાઓ અમલમાં મુકી છે. રાજ્યના ભિક્ષુકોને સામાન્ય નાગરિકોની જેમ જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી વિવિધ યોજનાઓ ઉપર કામગીરી ચાલી રહી છે. રાજ્યના આઠ મહાનગરપાલિકાઓને ભિક્ષુક મુક્ત બનાવવાની યોજનાનો અમલ વડોદરાથી કરવામાં આવશે. આગામી 100 દિવસામાં વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન કરાયું છે. આ માટે સ્વૈચ્છિક સંગઠનો અને કોર્પોરેટ કંપનીઓની મદદ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ભિક્ષૃકોની સંખ્યામાં વધારો થયો છે. જેથી સરકારની ચિંતામાં વધારો થયો છે. સરકારે આ ભિક્ષુકોને સરકારી યોજનાઓનો લાભ મળવાની સાથે તેઓ સામાન્ય લોકોની જેમ સમાજમાં જીવી શકે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.