Site icon Revoi.in

ગુજરાત પોલીસ ટેકનોલોજીમાં અગ્રેસર: બે ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર વિહિકલ વસાવ્યાં

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા અને તપાસની કામગીરીમાં નવા આયામો સર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસે પાયલટ પ્રોજેક્ટ તરીકે રૂ. 2.80 કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ ખરીદ્યા છે. આ બે પૈકી એક વિહિકલ વડોદરા અને બીજું રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યું છે.

‘ડીપ ટ્રેકર’ની વિશેષતાઓ અને ઉપયોગિતા

આ પોર્ટેબલ વિહિકલ માત્ર 10 કિલોનું હોવા છતાં, તેની ક્ષમતાઓ અદ્ભુત છે:

ઊંડાણ અને ક્ષમતા: તે પાણીમાં 200 મીટર સુધી ઊંડે જઈ શકે છે અને તેનો ગ્રેબર આર્મ 100 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે.

કેમેરા અને લાઇટ: તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા 4K કેમેરા અને રાત્રિ ઓપરેશન માટે 2000 લ્યુમેનની શક્તિશાળી લાઇટ છે, જે ડહોળા પાણીમાં પણ સ્પષ્ટ દૃશ્યો આપે છે.

ટેકનોલોજી: અત્યાધુનિક મલ્ટીબિમ SONAR ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે ડહોળા પાણીમાં પણ ચોક્કસ કામગીરી કરી શકે છે.

કાર્યક્ષેત્ર: આ વિહિકલનો ઉપયોગ અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ, પુરાવા (એવિડન્સ) શોધવા અને પાછા મેળવવા, અંડરવોટર સર્વેલન્સ, ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન અને પોસ્ટ ક્રાઇમ વિડીયોગ્રાફી જેવી કામગીરી માટે થશે.

ગંભીરા દુર્ઘટનામાં સફળ ઉપયોગ

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ થયો હતો. વડોદરા રૂરલ એસ.પી. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ તાલીમબદ્ધ ટીમે આ વિહિકલની મદદથી નદીના ડહોળા પાણીમાં ડૂબી ગયેલા વાહનો અને તેના પાર્ટ્સ શોધી કાઢ્યા હતા, જેણે પોલીસની તપાસમાં મોટી મદદ કરી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે ‘ડીપ ટ્રેકર’ વિહિકલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશનમાં પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ આ વિહિકલના સંચાલન માટે ખાસ તાલીમ મેળવી છે. આ પહેલથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેવું પોલીસ વિભાગનું માનવું છે.