ગુજરાતઃ બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ
અમદાવાદઃ પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.) કેન્સર અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (એન.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એન.સી.ડી.(નોન કોમ્યુનિકેબલ ડિસીઝ) બિનચેપી રોગના નિવારણ સંદર્ભે N.C.D. કાર્યક્રમ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સબ સેન્ટરથી લઇ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. વધુમાં દર બુધવારે એટલે કે મમતા દિવસે પણ બહેનોનું સ્ક્રીનિંગ કરાય છે. 30 થી વધુની વયના કોઇપણ નાગરિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઇને સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકે છે. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન , હૃદયરોગ, લકવો અને કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છે. કેન્સરમાં પણ મોઢા/ગર્ભાશયના મુખને લગતા કેન્સરની તપાસ કરાય છે.
આ તપાસમાં શંકાસ્પદ જણાઇ આવતા ડાયાબિટીસ અને હાયપરટેન્શનની બિમારી ધરાવતા દર્દીઓની તબીબી સલાહ મુજબ દવા શરૂ કરવામાં આવે છે. કેન્સર, હૃદયરોગ કે અન્ય બીમારીની ગંભીરતા જણાતા સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળ નિ:શુલ્ક સધન સારવાર શરૂ કરવામાં આવે છે. ટેલીમેડિસીનના માધ્યમથી સ્પેશ્યાલિસ્ટ કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. વધુમાં રાજ્યના તમામ જિલ્લામાં કેન્સરગ્રસ્ત દર્દીઓની કિમોથેરાપી સારવાર માટે ડે-કેર કિમોથેરાપી સેન્ટર્સ પણ કાર્યરત કરાયા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 30 થી વધુની વયના કુલ 3.69 કરોડ નાગરિકો એનરોલ્ડ છે. જેમાંથી 3.43 કરોડ વ્યક્તિઓએ કમ્યૂનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલીસ્ટ(CBAC) ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સફળતાપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી16 લાખ 23 હજાર લોકોને હાયપરટેન્શન અને11 લાખ 07 હજારને ડાયાબિટીસ હોવાનું પ્રાથમિક નિદાન થયું. 6 હજાર 900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. જે તમામની સધન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
તબીબોની સલાહ પ્રમાણે 30 થી વધુની વયના તમામ નાગરિકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રીનિંગ કરાવવું જોઇએ. બિનચેપી રોગોનું વહેલું નિદાન તેને નિયંત્રણમાં લાવવા અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવા મદદરૂપ બને છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

