
ગુજરાત ટેકનોલોજી યુનિ. વિદ્યાર્થીઓના માનસિક તનાવ ઘટાડવા સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર સ્થાપશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને માનસિક અસર થઈ હતી. આથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓના તણાવને અંકુશમા રાખવાના હેતુસર સ્પેશિયલ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. ચાંદખેડા સ્થિત જીટીયુ કેમ્પસમાં કાર્યરત થનારા આ સેન્ટર માં અગ્રણી કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી, મહારાષ્ટ્રના સાયકોલોજિસ્ટ ડો. બિજલ ભટ્ટ સહિતના વિવિધ અગ્રણી સાયકોલોજિસ્ટ જીટીયુના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતની વિવિધ આવશ્યક બાબતોનું માર્ગદર્શન આપશે. જીટીયુની 450થી વધુ કોલેજો આવેલી છે, આ કોલેજોમાં આશરે 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જીટીયુના ચાંદખેડા સ્થિત કાર્યાલય તેમજ વિવિધ કોલેજોમાં આશરે 17,000 જેટલા શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારી કાર્યરત છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ ડો. નવિન શેઠએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના વિકટકાળને પગલે દેશ અને દુનિયાના જનજીવન પર વિપરીત અસર પડી છે. પરિણામે સ્વાભાવિક રીતે સામાન્ય નાગરિકોની સાથે સાથે જીટીયુના અનેક વિદ્યાર્થીઓ, કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માનસિક તંદુરસ્તી સારી હોય તો જ તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને ખુશહાલ જીવન જીવી શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે જીટીયુ ચાંદખેડા કેમ્પસમાં સ્ટ્રેસમેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારથી શુક્રવાર નિષ્ણાત સાયકોલોજિસ્ટ તરફથી માર્ગદર્શન અપાશે. વિદ્યાર્થીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટરનો વધુને વધુ લાભ લે અને ટેન્શનમુક્ત બને તેવો યુનિવર્સિટીનો હેતુ છે.