
- આ વર્ષે 70 ટકા પક્ષીઓ ઓછા આવ્યાનો અંદાજ
- બે વર્ષથી પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો
- પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું
અમદાવાદઃ દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ લાખો કિમીનો પ્રવાસ કરીને ગુજરાતના મહેમાન બને છે. નળસરોવર, થોળ તળાવ જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ રોકાણ કરે છે. બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં પણ વિદેશી પક્ષીઓને નિહાળવા આવે છે. જો કે, ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં આવેલા ફેરફારની અસર વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓ ઉપર જોવા મળી રહી છે. આ વર્ષે વિદેશથી આવતા પક્ષીઓની સંખ્યામાં લગભગ 70 ટકા જેટલો ઘટાડો થયાનું મનાઈ રહ્યું છે. બે વર્ષથી વિદેશી પક્ષીઓમાં થઈ રહેલા ઘટાડાને પગલે પક્ષીપ્રેમીઓ પણ ચિંતામાં મુકાયાં છે.
ગુજરાતને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો હોવાથી વિદેશથી આવતા યાયાવર પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર ઘણા વર્ષોથી રહેલું છે.શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં વિદેશી યાયાવાર પક્ષીઓ નવસારીના દરિયાકાંઠે આવતા હોય છે. જેથી ઉભરાટ અને દાંડી જેવા રળિયામણા દરિયાકિનારાના કારણે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાછે.આ વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવા માટે વનવિભાગ દ્વારા પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ગ્લોબલ વોર્મિંગની માઠી અસર પક્ષીઓ પર પણ વર્તાય રહી છે. વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે વિદેશથી આવતા પક્ષીઓમાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. પક્ષીઓને અનુરૂપ વાતાવરણ ન મળતાં છેલ્લા બે વર્ષથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.