
ગુજરાત: અમદાવાદમાં રવિવારે આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયું પણ ભારે વરસાદની શક્યતા નહીંવત્
અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે, આ વખતે અષાઢનો પ્રારંભ પહેલા જ વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય બન્યુ છે. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે. 17 જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જો કે, રવિવારે બપોરે આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયું હતું. અને હવામાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો હતો. છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહેતો હતો, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું.
ત્રણથી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ, 17 જૂન સુધી શહેરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. 41.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ કંડલા પોર્ટ- 40.1 જયારે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 40.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.