Site icon Revoi.in

રાજસ્થાનમાં માર્કેડેશ્વર મહાદેવના દર્શને ગયેલા ગુજરાતી પરિવારની કાર પર હુમલો

Social Share

અંબાજીઃ રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવારની કાર પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કેંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ગભરાયેલો પરિવાર કારમાં અંબાજી પહોચ્યો હતો. અંબાજી પોલીસે પરિવાર પાસેથી વિગતો મેળવી હતી. અને પથ્થરમારામાં ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના બાપુનગરમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં માર્કેન્ડેશ્વર મહાદેવજીના દર્શન માટે ગયો હતો. દર્શન કરીને કારમાં પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે જાંબુડી ગામ પાસે લૂંટના ઈરાદે કેટલાક શખસોએ કાર ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર ઊભી ન રખાતા કારમાં પંકચર પાડ્યુ હતું છતાં પણ કાર ઊભી ન રાખતા શખસોએ કાર પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અંબાજીની આધ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતાં પરિવારે ત્રણ પૈડે કાર ભગાવી હતી. મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો.  ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર જોડે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા. યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે.