રાજકોટ, 31 ડિસેમ્બર 2025: 2.36 crore fraud by promising DCP job ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. માતા-પિતા કે પરિવારના સભ્યો દીકરા કે દીકરીને સરકારી નોકરી મળે તે માટે રૂપિયા આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. ત્યારે કેટલાક ઠગ લોકો મજબુરીનો લાભ લઈને રૂપિયા પડાવીને છેતપિંડી કરતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા નવાગામના રહેવાસી જીલુભાઈ ગમારાના પુત્રને પોલીસમાં PSI તેમજ DCPની નોકરી અપાવવાની લાલચ આપી 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરીને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવેને ઝડપી પાડ્યો છે, જ્યારે તેના સાથી હરિ ગમારા હાલ ફરાર છે. ફરિયાદીએ કુલ 2.36 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાંથી 88 લાખ રૂપિયા પરત મળ્યા હતા, પરંતુ બાકીના 1.48 કરોડ રૂપિયા પરત ન મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠિયાઓ સામે તાત્કાલિક ગુનો નોંધી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ નજીક નવાગામમાં રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ તેના પરિચિત પાલીતાણાના ઘેડી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ ગમારા અને પાલીતાણા ગામનો વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવે સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે તેની જ્ઞાતિના હરી ગમારા સાથે પરિચય થયો હતો. બાદમાં અવારનવાર ફોનમાં વાતચીત થતી હતી અને પારિવારિક સંબંધ થયા હતા. ત્રણ વર્ષ પહેલા હરિ ઘરે આવ્યો હતો ત્યારે તેણે કહ્યું કે, હમણા પોલીસ ખાતામાં PSIની ભરતી ચાલુ છે. તમારા દીકરા રાહુલને PSI બનાવવો હોય તો અમારા વિસ્તારમાં રહેતા વિવેક દવે મારા મિત્ર છે અને તેની રાજકીય નેતાઓ સાથે ઉઠક બેઠક છે. જેથી, તેને વાત કરવાથી તમારા પુત્રને PSIની નોકરી મળી રહેશે. જીલુભાઈએ વાત કરવાની હા પાડી હતી બાદમાં હરિએ તેના મિત્ર વિવેક સાથે ફોનમાં વાત કરાવી હતી, જેમાં તેણે રૂ.50 લાખ થશે અને આ કામ માટે એડવાન્સ રૂ.15 લાખ તાકિદે આપવા પડશે અને બાકીના પૈસા ઓર્ડર આવ્યા બાદ તમારે ચુકવવાના રહેશે તેમ વાત કરી હતી. બાદમાં હરિ મારફતે રૂ.15 લાખ રોકડા વિવેકને મોકલ્યા હતા અને ભરતીનું મેરીટ લિસ્ટ આવતા તેના પુત્રનું નામ ન હોય જેથી હરિનો સંપર્ક કરતા શખસે કહ્યું કે તમારૂ બીજી સરકારી નોકરીમાં સેટીંગ કરાવી આપીશ કહી રૂ.14 લાખ પરત આપ્યા હતા.
આ દરમિયાન જીલુભાઈને હરિએ ફોન કરી કહ્યું કે વિવેક સાથે વાતચીત થઈ ગઈ છે. આ વિવેકને સરકારમાં મોટા મંત્રીઓ સાથે સંપર્ક છે, જેથી તમારા પુત્રને ડાયરેકટ DCPનો ઓર્ડર કરાવી આપશે પરંતુ, આ વખતે તમારે રૂ.2.36 કરોડ આપવા પડશે અને એડવાન્સ રૂ.50 લાખ ચૂકવવા પડશે. જેથી, જીલુભાઈએ પૈસા એકઠા કરવા માટે તેના સમાજના ભલાભાઈ ગમારાને વાત કરી હતી અને હરિને ફોન કરતા તેણે તેના ભાઈ આંબાભાઈના ખાતામાં પૈસા જમા કરાવવાનું કહેતા કટકે-કટકે 37.76 લાખ નાખ્યા હતા. થોડા દિવસ બાદ ફરી હરિનો ફોન આવ્યો અને કહ્યું કે, તમારા પુત્રનો DCPનો ઓર્ડર તૈયાર છે. જેથી, પૈસા તાકિદે આપવા પડશે બાકી ઓર્ડર નહીં આવે તેમ કહ્યું હતું. જેથી, જીલુભાઈએ પૈસા ભેગા કરવા દોડધામ કરી હતી. દરમિયાન હરિ અને વિવેક ઘરે આવ્યા હતા અને સાથે ભલાભાઈ ગમારા પણ હતા, જે હાલ અવસાન પામ્યા છે. તેને રૂ.1.89 કરોડ રોકડા આપ્યા હતા અને કાલે તમારા પુત્રનો ઓર્ડર આવી જશે તેમ કહ્યું હતું પરંતુ, ઓર્ડર નહીં આવતા વધુ 10 કરોડ રૂપિયા આપવાનું કહેતા તેને હવે મારી પાસે વધુ પૈસા નથી અને મારા પુત્ર હવે નોકરી નથી જોઈતી પૈસા પરત આપી દો તેમ કહેતા શખસોએ રૂ.88 લાખ પરત આપ્યા હતા. બાકીના રૂ.1.48 કરોડ બાદમાં આપી દેશે કહી બહાના બતાવી તેની સાથે છેતરપીંડી કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

