
ગુજરાતીઓ કોરોનાને ભૂલી ગયા, તમામ પર્યટક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
અમદાવાદ : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. જાહેર રજાના દિવસે દરેક પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને હવે લોકો કોરોનાને ભૂલી ગયા હાય તેમ પરિવાર સાથે સહેલગાહે નીકળી પડે છે. તમામ પ્રવાસન પૂરજોશમાં છે પરંતુ આ ભીડ ત્રીજી લહેર નોતરી શકે છે તેમાં શંકાને સ્થાન નથી.
રાજ્યમાં યાત્રાધામ પાવાગઢમાં એક લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જ્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના સાપુતારા, ગીરા ધોધ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સંઘ પ્રદેશ દીવ-દમણમાં પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યું હતું. આ ઉપરાંત યાત્રાધામ સોમનાથ, અંબાજી, દ્વારિકા, અને કચ્છના પર્યટક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા.
યાત્રાધામ પાવાગઢમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આશરે 1 લાખ ભક્તો હતા. વેપારીઓ માટે કોરોના કહેર પછી આ સારી સ્થિતિ છે કારણ કે લોકડાઉન બાદ લોકોના ધંધા ખીલી ઉઠ્યા છે પણ શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન નહીં રાખે તો સ્થિતિ વણસી જશે.તેવી દહેશત છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારામાં પણ પ્રવાસીઓ ચોમાસું માણવા આવે છે. કોરોનાનો કહેર ન હોત તો અહીંયા સરકારનો જ મોનસુન ફેસ્ટિવલ યોજાયો હોત પરંતુ કોરોનાના કહેર વચ્ચે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા.
હવે બીજી લહેર સમાપ્ત થતા 25 હજાર જેટલા પ્રવાસીઓ સાપુતારામાં પહોંચી ગયા હતા ડાંગની આંખનો તારો એટલે કે ગીરા ધોધ. તાજેતરમાં જ કલેક્ટર દ્વારા અહીંયા સેલ્ફી લેવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગીરા ધોધમાં અંબિકા નદીના ધસમસતા પાણીના પ્રવાહથી જે દૃશ્યો સર્જાયા છે તેને જોવા શનિ-રવિમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. આમ પ્રવાસીઓનો ધસારાના કારણે ડાંગના હાઇવે હાઉસ ફૂલ થઈ ગયો હતો.
કોરોના બીજી લહેર બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. ત્યારે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, દેશનું પ્રથમ કુદરતી વાતાવરણ વાળું જંગલ સફારી, દેશનું પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રીસિયન પાર્ક સહિત અનેક આકર્ષણો જોવા પ્રવસીઓની સૌથી પ્રથમ પ્રસંદગી કેવડિયા હોય છે.
ગત શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા 25 હજાર જેટલી હતી, શનિ રવિ ની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.શનિવારે 15 હજારથી વધુ અને રવિવારે 25 હજારથી વધુ આમ બે દિવસમાં 40 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ઉપરાંત રાજ્યના પાડોશી સંઘ પ્રદેશ દીવ-દમણમાં પણ પ્રવાસીઓની અદભૂત ભીડ ઉમટી રહી છે. શનિ-રવિની ભીડમાં વધારો થતા દીવના નાગવા બીચને રવિવારે પ્રવાસીઓ માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી અને આગામી સપ્તાહમાં પણ શનિ-રવિ બીચ બંધ રહેશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે