
ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે. મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે.
આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ‘‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી 2022-27 લોન્ચ કરી છે. આ નવી પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બેરોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે. એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે. ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી 1 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, વર્લ્ડ કલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટા સેન્ટર્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે.