Site icon Revoi.in

નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ મંડળો સાથે બેઠક મળી

Social Share

 ગાંધીનગરઃ નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અઘ્યક્ષ સ્થાને યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સંદર્ભે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને શ્રી દિલ્હી ગુજરાતી સમાજ એમ બંને પ્રતિનિધિમંડળો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકના પ્રથમ તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિના 18 જેટલાં પ્રતિનિધિઓ સાથે વિવિધ વિષયો પર પરામર્શ કર્યો હતો. જેમાં રાજ્યના વિષય પર કાયદો બનાવવાના અધિકારક્ષેત્ર, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો અને બંધારણની કલમ 44 કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભાગ છે જેવા અનેક મુદ્દાઓ પર મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા યુ.સી.સી. સમિતિ સમક્ષ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતાં. વધુમાં આ પ્રતિનિધિઓએ 15મી એપ્રિલ,2025 પહેલાં પોતાની વિગતવાર લેખિત રજૂઆત યુ.સી.સી. સમિતિને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકના બીજા તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ દિલ્હી ગુજરાતી સમાજના 14 જેટલાં પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી યુ.સી.સીના અમલીકરણ અંગે તેઓના મંતવ્યો જાણ્યા હતાં. દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિઓએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પોતાનું સમર્થન પણ આપ્યું હતું.

આ બેઠકમાં વરિષ્ઠ સલાહકાર  શત્રુઘ્ન સિંહ, સમિતિના સભ્ય  સી.એલ. મીના,  આર.સી. કોડેકર,  દક્ષેશ ઠક્કર અને કુ. ગીતાબેન શ્રોફ, રેસિડેન્ટ કમિશનર ડૉ. વિક્રાંત પાંડે અને યુસીસી સમિતિના સચિવ શ્રી શીતલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

 

Exit mobile version