
ગાંધીનગરઃ રાજ્યના તમામ યાત્રાધામોમાં 360 ડીગ્રી વાળા નાઈટ વિઝન એચ.ડી. કેમેરા લગાડવાનો સરકારે નિર્ણય કર્યો છે. અને આ માટે ખાનગી એજન્સી દ્વારા વિશેષ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ પ્રસિદ્ધ યાત્રાધામોને સુરક્ષા કરવાના હેતુથી સીસીટીવી નેટવર્કથી સજ્જ કરાશે જેમાં આધુનિક કેમેરા કે જે 360 ડીગ્રી સુધી ફરી શકે તેવા અને સંપૂર્ણ એચ.ડી.નાઈટ વિઝન વાળા રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના તમામ યાત્રાધામોમાં અદ્યતન એચડી નાઈટ વિઝન કેમેરા લગાવવાનો નિર્ણય કર્યા બાદ કયા ધાર્મિક સ્થળો ઉપર કેટલા કેમેરા લગાડવા તેનો સર્વે હાલ ચાલી રહ્યો છે.બીજીબાજુ કેટલાક મંદિરોમાં સોલાર રૂફ ટોપ નાંખવામાં આવી રહી છે. જેથી વાર્ષિક 115.60 લાખથી વધુની વીજ બચત કરવાનો લક્ષ્યાંક ઉર્જા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં વીજળીની બચત માટેની પહેલ યાત્રાધામોથી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 8 યાત્રાધામો ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યા સામે વીજળીનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે મોટાભાગના મંદિરોમાં સોલાર યોજના હેઠળ સોલાર પેનલ લગાડવામાં નક્કી કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષથી 349 ધાર્મિક સ્થાનો ઉપર સોલાર સીસ્ટમ મુકવામાં આવે છે જેમાં 250 કરોડથી વધુની બચત સાથે કુલ 3889 કિલો વોટ વીજ ક્ષમતાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જોકે આ યોજનામાં સોલાર પેનલ માટેનો 70 ટકા ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે જ્યારે 30 ટકા ખર્ચ જે તે યાત્રાધામ તરફથી ભોગવવા નો રહેશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ અભિયાન ના અમલીકરણ થી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થાનો ઉપર સોલાર સિસ્ટમ લગાડવાથી યાત્રાળુઓ માટે ઇન્ટરનેટ સેવા ફ્રી વાઇફાઇ અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે.