- જ્વેલરી એસો.ની રજૂઆત બાદ 9 કેરેટ સોનાના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયાત કરાયું,
- સોનાનો ભાવ વધતાં લોકો ઓછા કેરેટ વાળા દાગીનાની માંગ કરી રહ્યા હતાં,
- 9 કેરેટમાં હોલમાર્કના નિયમથી જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે
અમદાવાદઃ સોનાના વધતા જતા ભાવને લીધે મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું મુશ્કેલભર્યુ બન્યું છે. સામાજિક રીત-રિવાજોને લીધે દીકરી-દીકરાના લગ્ન પ્રસંગોમાં સોનાના દાગીના ખરીદવા પડતા હોય છે. ત્યારે 22 કેરેટના સોનાના ભાવ પરવડી શકે તેમ ન હોવાથી હવે લોકો 9 કેરેટના દાગીના ખરીદતા હોય છે. ત્યારે 9 કેરેટના દાગીના ખરીદવામાં લોકો છેતરાય નહીં તે માટે હોલ માર્કિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને રજૂઆત કરી હતી. હાલ સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે. અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.
જ્વેલર્સના કહેવા મુજબ અત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલ માર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલ માર્કિંગ ફરજિયાત કરાયું છે. જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે.