Site icon Revoi.in

હમાસે સ્વીકાર્યો ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત થવાની આશા

Social Share

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કરેલા 20 સૂત્રીય શાંતિ પ્રસ્તાવને હમાસે સ્વીકારવાની તૈયારી બતાવી છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર પોસ્ટ કરીને આ માહિતી જાહેર કરી હતી. હમાસે જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે અમે ટ્રમ્પના પીસ પ્લાન હેઠળ તમામ ઈઝરાયલી બંધકો — ભલે તેઓ જીવિત હોય કે મૃત — મુક્ત કરવા તૈયાર છીએ. હમાસનો આ નિર્ણય ગાઝામાં ચાલતા યુદ્ધના અંત માટે મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત હમાસે ગાઝાની સત્તા સ્વતંત્ર ટેક્નિકલ નિષ્ણાતોની પેલેસ્ટિનિયન ઈન્સ્ટિટ્યૂટને સોંપવાની પણ જાહેરાત કરી છે. હમાસના નેતાઓએ જણાવ્યું કે તેઓ મધ્યસ્થીઓ મારફતે અમેરિકન પ્રમુખના પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા કરવા માટે તાત્કાલિક મંત્રણા શરૂ કરવા તૈયાર છે. જો આ પહેલ સફળ રહેશે, તો ઓક્ટોબર 2023માં ઈઝરાયલ પર થયેલા હુમલા દરમિયાન અપહરણ કરાયેલા બંધકોની વાપસી માટેના મહિનાઓના પ્રયાસોમાં આ સૌથી મોટી સફળતા ગણાશે.

હમાસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ગાઝામાં શાંતિ લાવવા માટેના પ્રયાસો બદલ અમે ટ્રમ્પ અને અન્ય અરબ, ઈસ્લામિક તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારોના આભારી છીએ.”  આ પહેલાં ટ્રમ્પે હમાસને અલ્ટીમેટમ આપ્યો હતો કે રવિવાર સાંજના 6 વાગ્યા સુધી ઈઝરાયલ સાથે કાયમી શાંતિ સમજૂતી કરી લેવી જોઈએ. હમાસના આંશિક સ્વીકાર બાદ ટ્રમ્પે ઈઝરાયલને પણ આદેશ આપ્યો કે ગાઝામાં બોમ્બમારો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.

રાજનીતિક નિષ્ણાતોના મતે, હમાસનો આ નિર્ણય મધ્ય પૂર્વમાં સ્થિરતા તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે અને વર્ષોથી ચાલતા ઈઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદના ઉકેલ માટે નવી આશા જગાવી શકે છે.

Exit mobile version