હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો,IPL 2023ની વચ્ચે આ ખેલાડીએ છોડ્યો સાથ
મુંબઈ : IPL 2023માં ગુજરાતની ટીમ સારો દેખાવ કરી રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી 10માંથી 7 મેચ જીતી છે અને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. હવે IPL 2023ની વચ્ચે ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી આઈપીએલની વચ્ચે ઘરે પરત ફર્યો છે.
આયર્લેન્ડના જોશુઆ લિટિલ રાષ્ટ્રીય ફરજના કારણે ગુજરાત ટાઇટન્સ કેમ્પ છોડીને ચાલ્યા ગયા છે. મે મહિનામાં બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે આયર્લેન્ડની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. વનડે સિરીઝ પૂરી થયા બાદ તે ગુજરાતની ટીમ સાથે ફરી જોડાઈ શકે છે. IPLની વચ્ચે જ તેના જવાથી ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે. તે ગુજરાતના બોલિંગ આક્રમણમાં મહત્વની કડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેણે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
જોશુઆ લિટિલે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ માટે સારો દેખાવ કર્યો છે. તેણે IPLની 8 મેચમાં 6 વિકેટ લીધી છે. ગુજરાત તેમની સાથે મિની ઓક્શનમાં 4.4 કરોડ રૂપિયામાં જોડાયું હતું. જ્યારે તેની મૂળ કિંમત માત્ર 50 લાખ રૂપિયા હતી. તે IPLમાં રમનાર આયર્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો છે.
જોશુઆ લિટિલે આયર્લેન્ડ માટે 25 વનડેમાં 38 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 53 ટી20 મેચમાં 62 વિકેટ ઝડપી છે. T20 વર્લ્ડ કપ 2022માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે શાનદાર હેટ્રિક હતી. જેના કારણે તે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો હતો. તેણે પોતાના દમ પર આયર્લેન્ડ ટીમ માટે ઘણી મેચો જીતી છે.