Site icon Revoi.in

સાબરમતીમાં આસારામ આશ્રમની 45 હજાર ચો.મી જમીન પરત લેવા HCની મંજુરી

Social Share

અમદાવાદ,5 ફેબ્રુઆરી 2026:   શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીનના મુદ્દે રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કરાશે.

ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિર્કે કોર્ટમાં દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલા આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક હેતુ માટે અપાઈ હતી, પરંતુ ત્યાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત બાંધકામો ફૂટી નીકળ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, આશ્રમને ફાળવાયેલી જમીન કરતાં અનેકગણી વધુ જગ્યામાં આશ્રમે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. આ દરમિયાન આશ્રમ દ્વારા જ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા વારંવાર અરજીઓ કરાઈ હતી, જે સાબિત કરે છે કે ત્યાં બિનઅધિકૃત નિર્માણ થયું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી આ જમીન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે. અમદાવાદ જ્યારે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ વિશાળ જમીન રમતગમતના પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સરકારી વકીલે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો નથી. આશ્રમને અનેકવાર નોટિસ આપીને સુનાવણીની પૂરતી તક અપાઈ હતી. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આશ્રમની 30થી વધુ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની મનાઈ ફરમાવી દીધી છે.

Exit mobile version