આરોગ્ય સંજીવની: રાત્રે મોડા જમવાની આદત છે બીમારીઓનું ઘર
આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તો થયા છે, પરંતુ ખાવા-પીવાના સમયની અનિયમિતતા હજુ પણ મોટી સમસ્યા છે. પોષણયુક્ત આહાર જેટલો જરૂરી છે, તેટલો જ તેને લેવાનો સાચો સમય પણ મહત્વનો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમે યોગ્ય સમયે ભોજન લો છો, તો તમારી ‘ગટ હેલ્થ’ (પેટનું સ્વાસ્થ્ય) ઉત્તમ રહે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.
આપણા શરીરમાં 24 કલાકનું એક કુદરતી ચક્ર કાર્યરત હોય છે, જેને ‘સર્કેડિયન રિધમ’ કહેવામાં આવે છે. જ્યારે સૂર્યપ્રકાશ હોય છે, ત્યારે આપણી પાચનશક્તિ સૌથી વધુ સક્રિય અને મજબૂત હોય છે. આ જૈવિક ઘડિયાળને કારણે દિવસે લીધેલો ભારે ખોરાક પણ શરીર સરળતાથી પચાવી શકે છે. પ્રકાશ શરીરને સંકેત આપે છે કે હવે કામ કરવાનો અને ઉર્જા મેળવવાનો સમય છે.
- રાત્રે મોડા જમવાના ગેરફાયદા
જ્યારે સૂર્યાસ્ત થાય અને અંધારું થાય, ત્યારે શરીર આરામ અને રિપેરિંગ મોડમાં જાય છે. રાત્રિના સમયે આપણું શરીર ‘ગ્રોથ હોર્મોન્સ’ બનાવવાનું કામ કરતું હોય છે. જો તમે મોડી રાત્રે ભોજન લો છો, તો શરીરને આરામ કરવાને બદલે પરાણે પાચનનું કામ કરવું પડે છે. તેનાથી અપચો, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ સર્જાય છે. લાંબા ગાળે આ આદત ગંભીર પેટની બીમારીઓનું કારણ બને છે.
- સાંજના ભોજનનો શ્રેષ્ઠ સમય
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો તમારે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓથી બચવું હોય, તો રાત્રિનું ભોજન વહેલું લેવાની આદત પાડવી જોઈએ. સાંજે 6થી 8ની વચ્ચે ભોજન લેવુ જોઈએ. વહેલું જમવાથી પાચનતંત્રને પૂરતો સમય મળે છે, જેનાથી પેટમાં ‘ગુડ બેક્ટેરિયા’ વધે છે. આ ઉપરાંત, બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. જાણકારોના મતે, “તમારી છેલ્લી મીલ (ભોજન) અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછો ૨-૩ કલાકનો તફાવત હોવો જોઈએ. આ નાનકડો ફેરફાર તમારા જીવનમાં મોટી ઊર્જા લાવી શકે છે.”
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો


