- શ્રમિકો સમયસર પરત ફરતા ઉદ્યોગકારોને રાહત,
- શ્રમિકોને અભાવે અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા હતા,
- બિહાર-યુપી તરફથી આવતી ટ્રેનોમાં નો-વેકન્સીની સ્થિતિ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરો અને કચ્છના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતના શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે. આ શ્રમિકો દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે પરિવાર સાથે પોતાના માદરે વતન ગયા હતા. જે હવે પરત ફરી રહ્યા છે. જેના લીધે બિહાર અને ઉત્તર પ્રદેશ તરફથી આવતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. બીજી બાજુ શ્રમિકો પરત ફરતા ઉદ્યોગકારોને પણ રાહત થઈ છે.
દિવાળી અને છઠ પૂજાના તહેવારોના કારણે મોટી સંખ્યામાં પોતાના વતન ગયેલા શ્રમિકો હવે ગુજરાત પરત ફરી રહ્યા છે. તહેવારો દરમિયાન શ્રમિકોની ગેરહાજરીના કારણે મહાનગરોમાં ઔદ્યોગિક એકમો, બાંધકામ ક્ષેત્ર અને અન્ય વિવિધ કામકાજો પર અસર થઈ હતી, પરંતુ હવે શ્રમિકોની વાપસીથી ફરી એકવાર આર્થિક ગતિવિધિઓ પૂર્વવત્ થવાની આશા જાગી છે.
છેલ્લા કેટલાક દિવસોથી લાંબા અંતરની ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં રિઝર્વેશનની સ્થિતિ દર્શાવે છે કે મોટી સંખ્યામાં કામદારો તેમના કાર્યસ્થળે પરત ફરી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર પણ શ્રમિકોનો ઘસારો વધ્યો છે.
દિવાળીના તહેવારને પગલે અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન અને કામકાજની ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે, હવે શ્રમિકોની પરત આવવાની સાથે જ આ તમામ એકમો ફરીથી સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતા થશે. ખાસ કરીને કચ્છના મોટા બંદરો, વિશેષ આર્થિક ઝોન (SEZ) અને બાંધકામ પ્રોજેક્ટ્સને સૌથી વધુ રાહત મળશે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓ માને છે કે શ્રમિકોની નિયમિત વાપસીના કારણે આગામી સપ્તાહ સુધીમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે પાટા પર આવી જશે. આનાથી તહેવારો દરમિયાન થયેલા કામકાજના નુકસાનની ભરપાઈ પણ ઝડપથી થઈ શકશે. એકંદરે, શ્રમિકોના પરત ફરવાથી કચ્છના અર્થતંત્રમાં ફરી જોમ આવ્યું છે અને વિકાસની ગતિ યથાવત્ રહેશે. અત્રે મહત્વનું છે કે કચ્છથી મુંબઈ અને દિલ્હીને જોડતી ટ્રેનોમાં હજુ પણ ધસારાના કારણે ટીકીટો મળતી નથી. પરત આવવામાં પણ આવી જ સ્થિતી છે. ખરેખર મુંબઈ અને દિલ્હીની વધારાની ટ્રેનો દોડાવવમાં આવે તેવી માંગ પ્રવાસી વર્ગમાંથી ઉઠી રહી છે.

