
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી:યલો એલર્ટ અપાયું
અમદાવાદ:ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો શનિવારથી પ્રારંભ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. શનિવાર-રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં હજુ સુધી 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે.
કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે એવી સંભાવના છે.