
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસુ એકંદરે સારૂ રહ્યું છે. અને સિઝનનો 85 ટકા વરસાદ વરસી ગયો છે. સારા વરસાદને કારણે નદી, નાળા, ડેમો છલકાય ગયા છે. ત્યારે દક્ષિણ ગુજરાત, અને મધ્ય ગુજરાત અતિભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદ છોટાઉદેપુર ભરૂચ, વડોદરા, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં પડવાની આગાહી છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે.
હવામાન વિભાગે આવનાર 5 દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારે ગણાવ્યા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ એકદમ શાંત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. ભારે પવનના કારણે આવનાર 5 દિવસ માટે માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે. હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે.
છોટા ઉદેપુર જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે, તેથી આ નદીના હેઠવાસમાં આવેલાં ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઊતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.