Site icon Revoi.in

હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવનને અસર

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આખા દેશમાં ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે રવિવારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે, ભીષણ ગરમીથી પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તે જ સમયે, દેશના ઘણા ભાગોમાં અચાનક ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી છે કે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વાદળ ફાટવા, ભૂસ્ખલન અને વહેતી નદીઓના ચિત્રોએ લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત 72 રોડ બંધ કરવા પડયા હતા, ચારધામ યાત્રા પણ 24 કલાક માટે અટકી ગઈ હતી. હાલ તમામ શ્રદ્ધાળુઓને હરીદ્વાર, ઋષીકેશ, રૂદ્રપ્રયાગ, સોનપ્રયાગ વગેરે સ્થળોએ રોકી લેવામાં આવ્યા છે. 

હિમાચલ અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ઘણી જગ્યાએ નદીઓ છલકાઈ રહી છે અને લોકોને તેમના કિનારાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં બનેલો સલાલ ડેમ પણ વરસાદના પાણીને કારણે ભરાઈ ગયો છે, જેના કારણે તેના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. 

હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જેને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ વિનોદ કુમાર સુમનનું કહેવું છે કે, ભારતીય હવામાન વિભાગ, દેહરાદૂન દ્વારા 30 જૂને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, 30 જૂન, 2025ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ધોરણ 1થી 12 સુધી ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે.

સોમવારે ચારધામ યાત્રા પણ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. પર્વતો અને નદી કિનારા પર વધુ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દહેરાદૂન, નૈનિતાલ, પૌરી, ટિહરી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

Exit mobile version