Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયું, હવાઈ સેવાને અસર

Social Share

નવી દિલ્હીઃ સવારથી દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ થયો, જેના કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. આ કારણે અનેક જગ્યા પર ટ્રાફિક જામ થયો અને ફ્લાઇટ્સના સમય પર પણ ભારે વરસાદની અસર પડી. ભારતીય હવામાન વિભાગે દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સતત વરસાદ અને તેના કારણે થતી મુશ્કેલીઓ માટે સાવચેત રહેવાની ચેતવણી આપી છે. દિલ્હીના શાસ્ત્રી ભવન, આરકે પુરમ, મોતી બાગ અને કિદવાઈનગર સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. કનોટ પ્લેસ, મથુરા રોડ અને ભારત મંડપમના ગેટ નંબર 7 નજીક પણ પાણી ભરાવાને કારણે અવરજવરમાં મુશ્કેલી પડી.

ભારે વરસાદના કારણે દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઉડાનોમાં વિલંબ થયો. ઇન્ડિગો એરલાઇન્સે સોશિયલ મીડિયા પર મુસાફરોને સૂચના આપી કે એરપોર્ટ પર આવતાં પહેલાં પોતાની ફ્લાઇટનો સ્ટેટસ ઑનલાઇન ચકાસી લે. એરલાઇન દ્વારા સલાહ આપવામાં આવી કે રસ્તાઓ પરના ટ્રાફિક જામ અથવા ધીમી ગતિને ધ્યાનમાં રાખીને વધારાનો સમય રાખીને નીકળો અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગ પસંદ કરવો. વરસાદથી લોકોને ભેજમાંથી રાહત મળી અને હવાની ગુણવત્તા સુધરીને 116ના મધ્યમ સ્તરે પહોંચી. હવામાન વિભાગે શનિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. આ વચ્ચે, જૂના રેલવે પુલ પર યમુનાનું જળસ્તર 205.15 મીટર સુધી પહોંચી ગયું છે, જે આ સિઝનનું સૌથી ઊંચું સ્તર છે અને જોખમની સપાટી 205.33 મીટર નજીક છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા વધી છે.

પ્રશાસને લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરીથી બચવા અને હવામાનની તાજી માહિતી પર નજર રાખવાની અપીલ કરી છે. ટીમો પાણી કાઢવાની અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની કામગીરીમાં લાગી ગઈ છે. દેશભરમાં શનિવારે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે, જેના કારણે વિકએન્ડ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સંચાલન એક પડકારરૂપ બની રહેશે.

Exit mobile version