Site icon Revoi.in

તમિલનાડુમાં ધોધમાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા

Social Share

ચેન્નાઈઃ દિવાળીની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં આ વર્ષે તહેવાર વરસાદી બન્યો છે. તમિલનાડુના ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે માર્ગ વ્યવહાર તો ખોરવાયો જ છે, સાથે હવાઈ સેવા પણ અસરગ્રસ્ત બની છે.

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ચેન્નઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. પૂર્વ કોસ્ટ રોડ પર આવેલા વેલાચેરી, મેદાવક્કમ, પલ્લીકરણાઈ અને નીલંકરાઈ વિસ્તારોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. બીજી તરફ, નીલગિરિ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાતા નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) ની ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નઈમાં તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. તેમણે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે, આગામી થોડા દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે. IMDના અનુસાર, 22 ઑક્ટોબર આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ વિકસવાની સંભાવના છે, જે તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે.

દિવાળીના દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે અને નાગરિકોને અતિરિક્ત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.