Site icon Revoi.in

સરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત બીજા દિવસે ડ્રાઈવ, અનેક કર્મચારીઓ દંડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટ, વડોદરા સહિત શહેરોમાં હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે આજે બીજા દિવસે પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણાબધા કર્મચારીઓ દંડાયા હતા. કેટલાક કર્મચારીઓ બાઈક કે સ્કુટર લઈને આવતા તેમને રસ્તામાં જ તેમના સાથી કર્મચારીઓએ ફોન કરીને પોલીસ ડ્રાઈવ અંગે માહિતી આપી દીધી હતી. આથી આવા કર્મચારીઓ કચેરીની દૂર પોતાના વાહનો પાર્ક કરીને ચાલતા જ કચેરી પર આવ્યા હતા.

ગુજરાતનાં ડીજીપી દ્વારા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઈકાલે વિવિધ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સતત બીજા દિવસે  રાજકોટ શહેરના મ્યુનિ. કોર્પોરેશન અને બહુમાળી સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાસ હેલ્મેટનાં નિયમનો ભંગ કરવા બદલ અનેક સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ પણ દંડાયા હતા.

રાજકોટ શહેરની કોર્પોરેશન અને બહુમાળી કચેરી તેમજ કલેક્ટર ઓફિસ સહિતના સ્થળે સવારથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ પહેર્યા વિના જ આવેલા અનેક સરકારી કર્મચારીઓને સ્થળ પર રૂ. 500 દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાના વાહન બહાર જ પાર્ક કરવા લાગ્યા હતા. જ્યારે મ્યુનિ કચેરીમાં આધાર કાર્ડ સહિતની કામગીરી માટે આવનારાઓએ દંડ ભરવો પડતાં કચવાટ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં 93 સરકારી કર્મચારી પાસેથી હેલ્મેટ ન પહેરવા બદલ રૂા.46,500નો દંડ વસૂલાયો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે મોત અને ઇજાના બનાવો અટકાવવા હેલ્મેટના નિયમનું અમલીકરણ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક શાખાની વિવિધ ટીમો નર્મદાભવન, પોલીસ ભવન, કુબેરભવન, પોલીસ હેડ ક્વાર્ટર્સ, સંગમ વોર્ડ ઓફિસ, ફતેગંજ પોસ્ટ ઓફિસ, મામલતદાર કચેરી, રેવા પાર્ક વોર્ડ ઓફિસ ખાતેથી 93 સરકારી અધિકારી-કર્મીઓ હેલ્મેટ વિના પકડાયા હતા, જેમની પાસેથી રૂા.46,500નો દંડ વસૂલ્યો હતો. પોલીસ ભવનમાં કેટલાક પોલીસ કર્મીઓએ થોડે દૂર બાઈક પાર્ક કરી ચાલતા કચેરીમાં આવ્યા હતા. જ્યારે કેટલાક કર્મીએ હેલ્મેટ ઘરે ભૂલી ગયા હોવાનાં બહાનાં કાઢ્યાં હતાં. જોકે તેમની પાસેથી દંડ વસૂલાયો હતો.