
અંજારમાંથી રૂ. 5 કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો મળ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાથી જોડાયેલો છે. દરમિયાન જખૌ નજીકથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોનો જથ્થો અવાર-નવાર બીનવારસી હાલતમાં મળી આવતા હોવાથી સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે અંજારમાં સોલ્ટ વિસ્તારમાંથી રૂ. 5 કરોડની કિંમતનું હેરોઈન મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીનવારસી હાલતમાં મળેલુ આ હેરોઈન કોણ અને ક્યાંથી લાવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર તાલુકાના જોગણીનાર નજીક દરિયાકાંઠા પાસે સોલ્ટ વિસ્તારમાંથી સફેદ પાવડર ભરેલુ એક પેકેટ મળી આવ્યું હતું. જેથી પોલીસની ટીમે આ પેકેટ જપ્ત કરીને એફએસએલને જાણ કરી હતી. એફએસએલના અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, આ સફેદ પાવડર બીજુ કંઈ નહીં પરંતુ હેરોઈન છે. તેમજ આ હેરોઈનની અંદાજીત કિંમત રૂ. 5 કરોડ હોવાનું જાણવા મળે છે. આ અંગે કંડલા મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ હેરોઈનનો જથ્થો કોણ અને ક્યાંથી કોણ લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છમાં તો અવર નવર દ્રગ્સના પેકેટ મળતા રહે છે પરંતુ હવે દ્રગ્સ માફિયાઓએ પોતાનો રસ્તો બદલ્યો હોય તેમ પ્રથમ વખત પૂર્વ કચ્છના દરિયા કાંઠે દ્રગ્સનો પેકેટ મળી આવતા વહીવટી તંત્રમાં દોડાધામ મચી ગઈ હતી.