Site icon Revoi.in

રાજકૂમાર જાટના મૃત્યુના કેસમાં હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો

Social Share

અમદાવાદઃ ગોંડલના રાજકૂમાર જાટ નામના યુવાનના રાજકોટ નજીક અકસ્માતના મોતના કેસમાં તેના પરિવારજનોએ મૃત્યુ નહીં પણ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરીને સીબીઆઈને તપાસ સોંપવાની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને પણ શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા. તે એક્ઝેટલી શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું.

ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારે કહ્યું હતું કે, 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળિયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રિપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ સાથે વિનંતી કરવામાં આવી હતી

સરકારી વકીલે કહ્યું હતું કે, પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ તેને એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી અકસ્માત થયો છે. જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રિપોર્ટ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી, ત્યાર બાદ તેને અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરવામાં આવી છે. કોર્ટે પૂછ્યું હતું કે, જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો FSL રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેલ હતી? વળી હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા. તે એક્ઝેટલી શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી. CCTVમાં તેણે ગાડીમાં લઈ જતા દેખાય છે. કોર્ટે કાગળિયા અને કેસ જોઈને તેની તપાસ અન્ય એજન્સી અથવા CBIને આપવા માટેનો ફિટ કેસ ગણાવ્યો હતો. કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા છે. જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે. આ અંગે વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ યોજાશે.