Site icon Revoi.in

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

Social Share

રાજકોટઃ ગોંડલ નજીકના રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે, કોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ અરજી ફગાવતા તે હાઇકોર્ટ પહોંચ્યા હતા. જોકે, હવે હાઇકોર્ટે પણ તેની આગોતરા જામીનની આ અરજી ફગાવી દીધી છે.

આ કેસની વિગત એવી હતી કે, રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ‘મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો હતો. અને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.  જોકે આ ચકચારી પ્રકરણમાં બાદમાં હનીટ્રેપ કેસની આરોપી સગીરાએ તેના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવતા જણાવ્યું કે, ‘મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખૂબ દબાણ કરીને મને 6 લોકો અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારાં અને મારા પરિવારનાં જીવને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ છે.’

મેજિસ્ટ્રેટ સમક્ષ વકીલ મારફતે સગીરાએ નિવેદન નોંધાવવા સાથે આ કેસમાં પીડિતા સગીરાની ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક-ધમકી આપવી સહિતની કલમ હેઠળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના ઝોન-2ના ડીસીપી  જગદીશ બાંગરવા તેમજ એ-ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરૂદ્ધ અલગથી ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

આ મામલે કેટલાક આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. અરજદાર રાજદીપસિંહ પકડાયો નથી. એક આરોપી સગીરા છે. ઉપરાંત અન્ય આરોપી રહીમ મકરાણી અને અતા ઉલા ભાગેડું છે. ફરિયાદ મૂળ 4 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે. 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં એક સગીર આરોપી છે.

Exit mobile version