Site icon Revoi.in

હિમાચલ પ્રદેશ: બિલાસપુરના બાલુઘાટમાં ભૂસ્ખલનથી બસ દબાઈ, 18 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુતા સબડિવિઝન હેઠળ આવેલા બાલુઘાટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ભૂસ્ખલનના કારણે એક ખાનગી બસ દટાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના કરૂણ મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના સમયે બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 25થી વધુ લોકો દટાયા હતા.

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર દ્વારા તુરંત બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ પણ કાટમાળ હટાવીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને ₹ 2 લાખ અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રત્યેકને ₹ 50 હજારની સહાય જાહેર કરી છે. સાથે જ, પ્રધાનમંત્રીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે.

Exit mobile version